નેહરુ યુવા કેન્દ્ર સુરતના નેજા હેઠળ ‘પ્રજાસત્તાક દિન’ની ઉજવણી- ૨૦૨૨ અંતર્ગત જિલ્લા કક્ષાની વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરી પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને ઈનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સુરત જિલ્લાના તેમજ વિવિધ તાલુકાના યુવાનોએ રાષ્ટ્ર નિર્માણ અને દેશભક્તિ, સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ અંગે પોતાના મંતવ્યો રજુ કર્યા હતા. આ સાથે જવાબદાર યુવાગણએ આત્મનિર્ભર રાષ્ટ્રના નિર્માણમાં યુવા શક્તિના ફાળાની મહત્વપૂર્ણતા દર્શાવી હતી. કાર્યક્રમનું ઉદ્દઘાટન જિલ્લા યુવા અધિકારી સચિન શર્મા, પત્રકાર અનૂપ મિશ્રા, યુનિસેફ ક્રાય ફાઉન્ડેશનના સંયોજક રાજલ રાણા અને પ્રવક્તા મિહિરના હસ્તે કરવામાં આવ્યું હતું. નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહેલા પત્રકાર અનૂપ મિશ્રાએ યુવાનોને જણાવ્યું હતું કે, ‘યુવા શક્તિએ પરસ્પર ભેદભાવ અને પરસ્પર વૈચારિક મતભેદો ભૂલીને રાષ્ટ્ર નિર્માણ માટે કામ કરવું જોઈએ’. સચિન શર્માએ તમામ યુવાનોને નહેરૂ યુવા કેન્દ્ર સંગઠનની વિવિધ પ્રવૃતિઓ વિષે જણાવ્યું હતું કે, નેહરુ યુવા કેન્દ્ર સંગઠન દ્વારકા યુવાનોમાં રહેલી શકિતઓને બહાર લાવીને યુવાનોના વિકાસ માટેની વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ સાથે ઉપસ્થિત દેશના ભાવી એવા યુવાઓને આવા કાર્યક્રમના માધ્યમથી રાષ્ટ્રના નિર્માણમાં ફાળો આપવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં પ્રથમ ઈનામ જીલ બારોટ, દ્વિતીય ઈનામ કેવિન ચાંગાણી અને ત્રીજું ઈનામ રાની સિંહે મેળવ્યું હતું. પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને અનુક્રમે ૫૦૦૦, ૨૦૦૦ અને ૧૦૦૦ની રકમ, સ્મૃતિ ચિન્હ તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં નહેરુ યુવા કેન્દ્ર સુરતના વહીવટી મદદનીશો, રાષ્ટ્રીય યુવા સ્વયંસેવકો, યુવા મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. નહેરુ યુવા કેન્દ્ર સુરતના રાષ્ટ્રીય સ્વયંસેવકો મેહુલ દોંગા, નિખિલ ભુવા અને કીર્તિબેનએ કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન કર્યું હતું.

previous post