



પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં કુલ 23 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે સિદ્ધપુરના નેદ્રા ગામમાં કુલ 3495 જેટલા મતદારો છે. જેમાં 1700 થી વધુ પુરુષ મતદારો અને 1700 મહિલા મતદારો છે. ગામમાં 8 વોર્ડ છે. તેમજ સરપંચ પદ માટે બે ઉમેદવારો મેદાનમાં છે. ગામના વિકાસ બાબતે સ્થાનિક લોકો સાથે વાત કરતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે, રોડ રસ્તાના કામ બાબતે સરકારમાંથી જેટલી ગ્રાન્ટ આવી છે તેટલા કામો ગામમાં થયા છે. ઘરનું ઘર સરકારી યોજના અંતર્ગત સર્વે થઈ ગયું છે. જેની કામગીરી ચાલુ છે. જોકે, ગામમાં સ્વચ્છતાનો અભાવ છે. સાધનની અછત હોવાને લઈ સ્વચ્છતા સમગ્ર ગામમાં થઈ શકી નથી. જેથી સાધનની વ્યવસ્થા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગામના પરા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પ્રશ્ન મામલે પણ લોકો હાલાકી ભોગવી રહ્યા છે. નેદ્રા ગામના સરસ્વતી પરા વિસ્તારમાં ખુલ્લામાં ભુગર્ભ ગટરના ગંદા પાણી છોડવામાં આવી રહ્યા છે. જેથી લોકોના સ્વાસ્થ્ય સામે પણ સવાલ ઉભો થયા છે. અતિશય ગંદકી થવાને લઈ વિસ્તારમાં રહેવું પણ મુશ્કેલ થયું છે. તેમજ રોગ ચાળો ફાટી નીકળવાની પણ સંભાવના છે. ગ્રામજનોએ વધુમાં જણાવ્યું કે, ગ્રામ પંચાયતની ચૂંટણી આવે ત્યારે બધા આવે છે સમસ્યા દૂર કરવાના વચનો આપે છે પણ ચૂંટણી પત્યા બાદ કોઈ રજૂઆત સાંભળતું નથી અને પરિસ્થિતિ યથાવત રહે છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પરા વિસ્તારના લોકો મક્કમ થયા છે. ત્યારે આગામી ચુંટણીમાં ગામજનોની સમસ્યા દુર કરે તેવાં ઉમેદવારને ગ્રામજનો સપોર્ટ કરશે તેવું ગ્રામજનોએ જણાવ્યું છે.