વનિતા વિશ્રામ ખાતે આયોજિત ‘હુનર હાટ’ના અનેકવિધ સ્ટોલ્સ સુરતીઓને અચંબિત કરી રહ્યાં છે, એટલું જ નહીં, ‘હુનર હાટ’ પરિસરના તમામ સેલ્ફી પોઈન્ટ પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સુરતવાસીઓ મોટી સંખ્યામાં હુનર હાટની મુલાકાત લઈ રહ્યા છે. શોપિંગ સાથે ભોજનનો પણ આનંદ લઈને સેલ્ફી પોઈન્ટ પર સેલ્ફી અને ગ્રુપ ફોટોગ્રાફ્સની પણ મજા લઈ રહ્યા છે. જ્યારે સેલ્ફી માટે ‘ઈન્ડિયા ગેટ’ લોકોની પહેલી પસંદ બની છે. લાકડામાંથી બનેલો ‘ઈન્ડિયા ગેટ’ દિલ્હીના ઈન્ડિયા ગેટ જેવો જ દેખાય છે. તેની સામે રાખેલ સ્પિનિંગ વ્હીલને પણ લોકોને ખુબ ગમી રહ્યાં છે. હુનર હાટના મુખ્ય દરવાજાથી અંદર પહોંચતા, લોકો ઘણીવાર ડાબી બાજુએ વિશ્વકર્મા વાટિકામાં સેલ્ફી લેતા જોવા મળે છે. વાટિકા પાસે જ સ્વતંત્રતાના અમૃત પર્વની ઉજવણીમાં બનાવવામાં આવેલી દાંડી યાત્રામાં સામેલ પદયાત્રીઓની પ્રતિકાત્મક મૂર્તિઓ પાસે પણ લોકો તસવીરો લેવાનું ચૂકતા નથી. હુનર હાટ ઓફિસ પાસે આવેલ અશોક સ્તંભ પણ સેલ્ફી પસંદ કરતા લોકોને આકર્ષે છે. ફૂડ કોર્ટ પાસે ઘોડો લોખંડના ભંગારમાંથી બનેલા ઘોડાને ઉભેલો જોયા પછી પણ લોકો તેની પાસે પોતાનો કેમેરો ઓન કરી લે છે. ખાસ વાત એ છે કે આ શિલ્પને હુનર હાટમાં “કચરે સે કૌશલ” ટેગલાઈન સાથે પ્રદર્શિત કરાયો છે. પથ્થરથી બનેલો સિંહ પણ લોકોની નજર ખેંચ્યા વિના રહેતો નથી. હુનર હાટ જોવા આવેલી પારૂલ સેલ્ફી પોઈન્ટ્સ વિશે વાત કરતાં ખુશ હતી. તેની સાથે નાનો ભાઈ પણ વારંવાર ફોટોગ્રાફ્સ માટે ઉત્સુક દેખાયો હતો. દરરોજ શાળાના વિદ્યાર્થીઓ પણ હુનર હાટમાં આવે છે અને તેઓ પણ સેલ્ફી લેવાની કે તસ્વીર માટે પોઝ આપવાની તક ગુમાવતા નથી.