સાવરકુંડલામાંથી કપાસની ચોરી કરનાર ત્રણ આરોપીઓને કપાસ, રોકડ રકમ સહિત કુલ 14,400 રૂપિયાના મુદ્દામાલ સાથે અમરેલી એલ.સી.બીએ ઝડપી પાડ્યા હતા. ત્રણેય આરોપીને ઝડપીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
સાવરકુંડલા-અમરેલી રોડ ઉપર આવેલ ગુપ્ત ખોડીયાર મંદિર સામે, હરીબાગ નામની ગીરીશ ભાઇ હર્ષદરાય રાજ્યગુરૂની વાડી આવી હતી. 23 ઓક્ટોબરે કોઇ અજાણ્યા ઇસમોએ આ વાડીના મુખ્ય દરવાજે તથા મકાનની ઓસરીની ગ્રીલમાં મારેલ તાળા તોડી, વાડીમાં પ્રવેશ કરી, વાડીમાં રાખેલ 70 મણ કપાસ 98,000 રૂપિયાનો ચોરી કરીને લઇ ગયા હતા. આ અંગે શાંતિભાઇ માંજુસાએ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
અમરેલી એલ.સી.બી ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર આર.કે. કરમટા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એન.મોરી તથા એલ.સી.બી ટીમને 16 ડિસેમ્બરના રોજ બાતમી મળી હતી કે ત્રણ ઇસમો સાવરકુંડલા, ભુવા રોડ ઉપર આવેલ ગેઇડ પાસે કપાસની ગાંસડીઓ સાથે શંકાસ્પદ હાલતમાં ઉભા છે. બાતમીના આધારે ત્રણ ઇસમોને પકડી પાડી, તેમની પાસેથી ઉપરોક્ત કપાસ ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકી કપાસની ગાંસડી નંગ-4, વજન 6 મણ કપાસ રીકવર કર્યો હતો.