Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

“વસંતોત્સવ-૨૦૨૫”; રશિયા, કિર્ગિસ્તાન અને બાંગ્લાદેશના વિખ્યાત લોક નૃત્યની પ્રસ્તુતિ પણ પ્રથમ વાર વસંતોત્સવ ખાતે કલારસીકો માણી શકશે



(જી.એન.એસ) તા. 18

ગાંધીનગર,

રાજ્યનું પાટનગર ગાંધીનગર જે નદીના તટે વિકસ્યું છે, તે સાબરમતી નદીની કોતરો વર્ષ દરમિયાન એક ખામોશીથી ઘેરાયેલી રહે છે, જે વસંતોત્સવ દરમિયાન સંગીત, નૃત્ય અને લોકોની તાળીઓ તથા ચિચિયારીઓથી ગુંજી ઉઠે છે. જાણે આ માટીની કોતરો વર્ષમાં એક વાર વસંત આવતા જીવંત બની ઊઠે છે, તેવો આભાસ થાય છે.

પાટનગરમાં ચાલતા આ નૃત્ય પર્વમાં વિવિધ રાજ્યોના અનેક નૃત્યોએ આજ સુધી આકર્ષણ જમાવ્યું છે. આનંદ, પ્રમોદ અને લોકસંગીતના સૂરોનો પ્રકૃતિના ખોળે આનંદ લેવા વસંતોત્સવની કલારસીકો આતુરતાથી રાહ જોતા હોય છે,

પાટનગરનો આવો લોકોત્સવ જે  રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર અંતર્ગત કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર અને પશ્ચિમ ક્ષેત્ર સાંસ્કૃતિક કેન્દ્ર, ઉદયપુરના સહયોગથી આયોજિત કરવામાં આવે છે,તેવો  “વસંતોત્સવ-૨૦૨૫” – લોકકલા મહોત્સવ તથા હસ્તકલા પ્રદર્શનનો શુભારંભ તા.૨૧, ફેબ્રુઆરીથી થવા જઈ રહ્યો છે. આ કલામહોત્સવ ૨૧, ફેબ્રુઆરી થી ૦૨, માર્ચ-૨૦૨૫  એટલે કે દસ દિવસ સુધી ચાલશે. દર વર્ષે વસંતોત્સવમાં કંઈક ખાસ જોવાની આશા સાથે કલા રસીકો આ મહોત્સવની કાગડોળે રાહ જોતા હોય છે, ત્યારે પાટનગરની વિશેષ ઓળખ બની ચૂકેલા આ વસંતોત્સવમાં વર્ષ ૨૦૨૫માં કલા રસીકો માટે એક નવું નજરાણું આકર્ષણનું કેન્દ્ર બનશે. અત્યાર સુધી માત્ર દેશના વિવિધ રાજ્યોના જ કલાકારો પોતાની પ્રસ્તુતિ કરતા હતા, પરંતુ હવે માત્ર વિવિધ રાજ્યોના જ નહીં  વિવિધ દેશોમાંથી આવેલા વિદેશી કલાકારો પણ વસંતોત્સવના આ લોકકલા મહોત્સવનો એક ભાગ બનશે, અને તેમની આગવી કલા કૃતિ કલા રસીકો આ ઉત્સવના માધ્યમથી નિહાળી શકશે.

વિગતવાર વસંતોત્સવ-૨૦૨૫ની વાત કરવામાં આવે, તો વસંતોત્સવના પ્રથમ ચાર દિવસ એટલે કે તા.૨૧ થી તા.૨૪ ફેબ્રુઆરી દરમિયાન ઓડિસ્સાનું ગોટી પુઆ નૃત્ય,  તમિલનાડુનું કાવડી અને કરગમ નૃત્ય,  મણીપુરનું અનોખું શાસ્ત્રીય નૃત્ય પુંગ ચોલમ નૃત્ય  તથા અસમનું ખૂબ જ જાણીતું બિહુ નૃત્ય માણી શકાશે.

જ્યારે તા.૨૫ અને તા.૨૬ ફેબ્રુઆરીના રોજ પંજાબનું જાણીતું ગિદ્દા નૃત્ય, પશ્ચિમ બંગાળના પુરલીયા જિલ્લા નું સુપ્રસિદ્ધ પુરલીયા છાઉ નૃત્ય, માર્શલ આર્ટનો જ એક પ્રકાર અને કેરળનું પ્રાચીન કલારીપયટ્ટન નૃત્ય તથા રશિયા, કિર્ગિસ્તાન અને બાંગ્લાદેશના વિખ્યાત લોક નૃત્યની પ્રસ્તુતિ પણ પ્રથમ વાર વસંતોત્સવ ખાતે કલારસીકો માણી શકશે.

અંતિમ પડાવમાં તા. ૨૭, ફેબ્રુઆરી થી તા.૦૨, માર્ચ સુધી રાજસ્થાનનું ઘુમર નૃત્ય,  કર્ણાટકાનું ઢોલુ કુણીથા લોક નૃત્ય,  ઉત્તર પ્રદેશ નું જાણીતું મયુર નૃત્ય, રાજસ્થાનની સપેરા (મદારી સમાજ) જાતિ દ્વારા કરવામાં આવતું એક વિશેષ નૃત્ય કાલબેલિયા અને દેવલી નૃત્ય માણી શકાશે.

સવિશેષ દરરોજ ગુજરાતના જાણીતા કલાકારો કલા વૃંદો દ્વારા ગુજરાતના પરંપરાગત લોક નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવશે. રાજ્યના વિવિધ પ્રસિદ્ધ ગ્રુપો દ્વારા પણ પારંપરિક લોકસંગીતની પ્રસ્તુતિ થશે, ઉપરાંત રાજ્ય કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધામાં આવેલા પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા દ્વારા પણ પ્રાચીન, અર્વાચીન ગરબા અને રાસની પ્રસ્તુતિ આ મંચ પર કરવામાં આવશે. આ સિવાય ગુજરાતની લુપ્ત થતી કલા વારસા સમૃદ્ધિને સાચવવાના આશય સાથે તુરી- બારોટ સમાજના કલાકારો દ્વારા વિવિધ વિસરાતી લોકનૃત્યની પ્રસ્તુતિ પણ અહીં નગરજનો અને કલારસિકો માણી શકશે.

આ ઉપરાંત સંસ્કૃતિ કુંજ ખાતે ઉભા કરાયેલા સ્ટોલમાં કલાત્મક વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ પણ કરવામાં આવશે. જેમાં હસ્તકલા કારીગરી અને વિવિધ રાજ્યમાંથી આવેલા લોકો દ્વારા વિશિષ્ટ વસ્તુઓનું વેચાણ બપોરના ૦૨ કલાકથી રાત્રીના ૧૦:૦૦ કલાક સુધી કરવામાં આવશે.

આનંદ પ્રમોદ અને સંગીતના સૂરનો લ્હાવો લેવા પરિવાર સાથે વસંતોત્સવ ઉત્સવ-૨૦૨૫ના વધામણા કરવા નગરજનો તૈયાર છે, ત્યારે વસંતોત્સવ-૨૦૨૫ ના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.

संबंधित पोस्ट

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે અમરેલીમાં ૧૦૦ બેડની મલ્ટીસ્પેશિયાલિટી ધર્મજીવન હોસ્પિટલનો શુભારંભ

Gujarat Desk

રખિયાલ લૂંટનો ભેદ ઉકેલાયો; ગુનાહિત ઈતિહાસ ધરાવતા 2 લોકોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયા

Gujarat Desk

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે શુભમન ગિલે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી વનડે માં શાનદાર સદી ફટકારી

Gujarat Desk

સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો: ગુજરાતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામે નવી લડાઈનો પ્રારંભ

Gujarat Desk

હાથીપગા રોગ’ના નિર્મૂલન માટે આગામી તા. ૧૦ થી ૧૨ ફેબ્રુઆરી દરમિયાન ‘સામૂહિક દવા વિતરણ કાર્યક્રમ’નો બીજો તબક્કો હાથ ધરાશે

Gujarat Desk

ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના આમંત્રણથી હરિયાણાના કુરુક્ષેત્રમાં યોજાઈ વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળની બેઠક

Gujarat Desk
Translate »