(જી.એન.એસ) તા. 5
અમદાવાદ,
શહેરમાં ફરી એકવાર જીએસટી વિભાગે સપાટો બોલાવ્યો છે જેમાં, પાન મસાલા અને તમાકુના 8 વેપારીઓના 20 અલગ અલગ સ્થળ પર GST વિભાગે દરોડા પાડ્યા છે અને આ દરોડા દરમિયાન કરોડો રૂપિયાની કરચોરી પકડાઈ હોવાના સૂત્રો દ્વારા સમાચાર છે.
હોલસેલ વેપારી સહિત છૂટક વેપારીઓના ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે અને GST વિભાગની રેડ દરમિયાન 5 કરોડ રૂપિયાની કરચોરી ઝડપાઈ છે. GST વિભાગની ટીમે મેન્યુફેક્ચરિંગ યુનિટ, ગોડાઉન, ડિસ્ટ્રિબ્યુટર્સ અને છૂટક વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા છે. રાજ્યના અમદાવાદ, વાપી, વલસાડ, ડીસા, હિંમતનગર અને સતલાસણામાં GSTની ટીમોએ દરોડા પાડ્યા છે. આ તપાસ દરમિયાન બિનહિસાબી રોકડ વ્યવહારો, બિનહિસાબી વેચાણ, બિનહિસાબી સ્ટોક સહિતની ગેરરીતિઓ સામે આવી છે.
થોડા દિવસ અગાઉ 18 માર્ચે મોરબીના હળવદમાં GST વિભાગે દરોડા પાડ્યા હતા. શહેરમાં મેઈન બજારમાં સોની સહિતની દુકાનો ટપોટપ બંધ થવા લાગી હતી. GST વિભાગે ધામા નાખતા જ શહેરમાં મોબાઈલ સહિતની દુકાનોમાં તાળા લાગ્યા હતા. જીએસટી વિભાગની કાર્યવાહી સામે વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો હતો. ઓડિટ કામગીરી માટે 2થી વધુ દુકાનોમાં તપાસ કરી સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા જે ગેરરીતિ પકડવામાં આવી હતી. મોરબી સહિત અમદાવાદ, વાપી અને સુરતમાં ખૂબ વ્યાપક પ્રમાણમાં દરોડા પાડવામાં આવ્યા હતા.