ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા વિશેષ પ્રયત્નો કરાશે
વધુ કૃષિ ઉત્પાદન મેળવવાની ક્ષણિક લાલચમાં આપણે આવનારી પેઢીઓને ગંભીર પરિસ્થિતિમાં મૂકવા જઈ રહ્યા છીએ : શ્રી આચાર્ય દેવવ્રતજી
(જી.એન.એસ) તા. 3
ગાંધીનગર,
ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા વિશેષ પ્રયત્નો કરાશે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષપદે આજે રાજભવનમાં કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને આદિજાતિ વિકાસ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં કૃષિ વિભાગ અને આદિજાતિ વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે રાજ્યકક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
ગુજરાતમાં 53 તાલુકાઓમાં આદિજાતિના ખેડૂતો પરંપરાગત ખેતી કરી રહ્યા છે. મોટાભાગના ખેડૂતો ગાય પણ રાખે છે. આ વિસ્તારોમાં ખેડૂતો સો એ સો ટકા પ્રાકૃતિક ખેતી કરતા થાય અને ડાંગ જિલ્લાની જેમ રાજ્યના તમામ આદિજાતિ વિસ્તારોમાં સો ટકા પ્રાકૃતિક ખેતી થાય તે માટે આદિજાતિ વિકાસ વિભાગના વિશેષ સહયોગથી કૃષિ વિભાગ સઘન પ્રયત્નો કરશે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે, પ્રાકૃતિક કૃષિ અભિયાન હવે રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન બની ગયું છે. આ મિશન સામાન્ય મિશન નથી. માનવ સ્વાસ્થ્ય માટે વર્તમાન સમય સંઘર્ષનો સમય છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના અંધાધુંધ ઉપયોગથી કેન્સર, ડાયાબિટીસ જેવા જીવલેણ રોગોનો રાફડો ફાટ્યો છે. ધરતી સહન કરવાની સ્થિતિમાં નથી. ફળ, શાકભાજી અને અનાજ વાટે ધરતી એ ધીમું ઝેર આપણને પાછું આપી રહી છે. ગ્લોબલ વૉર્મિંગ માટે રાસાયણિક ખેતી વધુ જવાબદાર છે. વધુ ઉત્પાદન મેળવવાની ક્ષણિક લાલચમાં આપણે આપણી આવનારી પેઢીઓને ગંભીર પરિસ્થિતિમાં મૂકવા જઈ રહ્યા છીએ. આ વિષય પર ગંભીરતાથી વિચારવાની આવશ્યકતા છે.
શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે આદર્શ કામ થઈ રહ્યું છે. ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓએ ઊંડાણપૂર્વકના પરીક્ષણો કરીને પ્રાકૃતિક કૃષિના જે પરિણામો મેળવ્યા છે, તે અત્યંત ઉત્સાહજનક છે. કૃષિ યુનિવર્સિટીઓ હજુ વધુ સંશોધનો કરે અને પરિણામો ખેડૂતો સમક્ષ મૂકે જેથી ખેડૂતોને પ્રમાણ મળે અને તેઓ સંકોચ વિના પ્રાકૃતિક ખેતી કરતા થાય.
પ્રાકૃતિક ખેતીના પંચસ્તરીય બાગાયતી મોડેલથી ખેડૂતોની આવક અચૂક બમણી થશે. ખેડવાનો અને નિંદામણનો શ્રમ નહીં કરવો પડે. પ્રદૂષણ પણ નહીં થાય. ગુજરાતના દરેક તાલુકાઓમાં ઓછામાં ઓછા પાંચ થી સાત પંચસ્તરીય બાગાયતી જંગલ મોડેલ ફાર્મ બને તો અન્ય ખેડૂતોને પ્રેરણા મળશે.
શ્રી આચાર્ય દેવવ્રજીએ કહ્યું હતું કે તા.1 એપ્રિલથી રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન સમગ્ર રાષ્ટ્રમાં અમલી થઈ ગયું છે. આ માત્ર સરકારનો કે અધિકારીઓનો પ્રોજેક્ટ નથી, માનવતા, પ્રાણીજગત અને પર્યાવરણ બચાવવાનું આપણા સૌનું નૈતિક કર્તવ્ય છે. આપણે આદિવાસી વિસ્તારો ઉપર વિશેષ ધ્યાન આપવું જોઈએ કારણકે, ત્યાંના ખેડૂતો હજુ સુધી યુરિયા, ડીએપી અને પૅસ્ટીસાઈડસ પર સંપૂર્ણ નિર્ભર થયા નથી. આદિજાતિ ક્ષેત્રના કૃષિ ઉત્પાદનોની બજારમાં પણ વિશેષ માંગ છે. આદિજાતિ ક્ષેત્રોમાં પ્રાકૃતિક ખેતીથી ગુણવત્તાયુક્ત અને વિપુલ ઉત્પાદન મેળવી શકાય તેમ છે.
શ્રી આચાર્ય દેવવ્રતજીએ દેશી ગાયની ઉત્પાદકતા વધારવા તેની નસલ સુધારવા અને સેક્સ સોર્ટેડ સિમેન પદ્ધતિનો વ્યાપ વધારવા વિશેષ ઝુંબેશ હાથ ધરવા અધિકારીઓને અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા સઘન તાલીમ જરૂરી છે. તેમને કહ્યું કે, યુરિયા-ડીએપીથી દર વર્ષે ભૂમિનો ઓર્ગેનિક કાર્બન ઘટે છે અને પ્રાકૃતિક ખેતીથી દર વર્ષે ઓર્ગેનિક કાર્બન વધે છે.
કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે આ બેઠકમાં ભાગ લેતાં જણાવ્યું હતું કે, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન અને તેમની સક્રિયતાના પરિણામે આપણે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રાકૃતિક કૃષિના મિશનને વધુ વેગવાન બનાવી રહ્યા છીએ. રાજ્યના આદિજાતિ વિસ્તારોના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગને પણ આ મિશન સાથે જોડવામાં આવ્યો છે. કૃષિ મંત્રીશ્રીએ રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે કરવામાં આવતી પ્રવૃત્તિઓ જાણીને સંતોષ વ્યક્ત કર્યો હતો.
આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ મિશનમાં આદિજાતિ વિભાગનો સમાવેશ થવાથી આદિજાતિ વિકાસ વિભાગ અને કૃષિ વિભાગની યોજનાઓનો સંયુક્ત રીતે ખેડૂતોને લાભ મળશે, જેના પરિણામે પ્રાકૃતિક કૃષિ મિશન વધુ વેગવંતુ બનશે. આ ઉપરાંત 3 ગ્રામ પંચાયત દીઠ ક્લસ્ટરની યોજનાઓથી પ્રાકૃતિક ખેતી કરવતા ખેડૂતોની સંખ્યામાં વધારો થશે.
આ સમીક્ષા બેઠકમાં કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી અંજુ શર્મા, આદિજાતિ વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી જે.પી. ગુપ્તા, આદિજાતિ વિકાસ કમિશનર શ્રી સુપ્રીતસિંગ ગુલાટી, રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ શ્રી અશોક શર્મા, ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મનીષકુમાર બંસલ, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર શ્રી વિજયકુમાર ખરાડી, કૃષિ અને સહકાર વિભાગના સંયુક્ત સચિવ શ્રી પી. ડી. પલસાણા, રાજ્યની તમામ કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓ, રાજ્યના તમામ આદિજાતિ વિસ્તારોના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર્સ, આત્માના ડાયરેક્ટર શ્રી સંકેત જોશી, પશુપાલન નિયામક ડૉ. ફાલ્ગુનીબેન ઠાકર, કૃષિ નિયામક શ્રી પ્રકાશ રબારી તથા કૃષિ વિભાગ અને આદિજાતિ વિકાસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.