વર્કશોપમાં FPOs, કૃષિ ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટઅપ્સ સહિત કૃષિ ક્ષેત્રના વિવિધ નિષ્ણાતો સહભાગી થશે
(જી.એન.એસ) તા. 25
ગાંધીનગર,
સ્પીપા-ગાંધીનગર ખાતે આજે તા. ૨૬ માર્ચ, ૨૦૨૫ના રોજ “ઓગમેન્ટિંગ પોસ્ટ-હાર્વેસ્ટ ઇકોનોમી” વિષય પર એક દિવસીય વર્કશોપ યોજાશે. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. તેમજ ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT) દ્વારા પોસ્ટ-હાર્વેસ્ટ ઇકોનોમીને પ્રોત્સાહન આપવા માટે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. અંજુ શર્મા, ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT)ના અધ્યક્ષ શ્રીમતી એસ. અપર્ણા તેમજ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજીંગ ડિરેક્ટર શ્રી વિજય ખરાડી ઉપસ્થિત રહેશે.
ગુજરાતના વિકાસને વેગ આપી શકે તેવા મુખ્ય ક્ષેત્રોને ઓળખવા એ GRITનો મુખ્ય ઉદ્દેશ્ય છે. “પોસ્ટ-હાર્વેસ્ટ મેનેજમેન્ટ” પણ એવું જ એક મહત્વપૂર્ણ ક્ષેત્ર છે, જે કૃષિ વેસ્ટને ઘટાડીને તેમજ ઉત્પાદનની ગુણવત્તામાં સુધારો કરીને કૃષિ ઉત્પાદકતામાં વધારો કરવામાં મહત્વપૂર્ણ ફાળો આપે છે. આ દિશામાં ક્ષમતા નિર્માણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા માટે GRIT દ્વારા ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના સહયોગથી આ મહત્વકાંક્ષી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપ ગુજરાતની પોસ્ટ-હાર્વેસ્ટ સંભાવનાને વધારવામાં તેમજ પોસ્ટ-હાર્વેસ્ટ વેલ્યુ ચેઇનને મજબૂત કરવાની દિશામાં આગવી પહેલ પૂરવાર થશે.
ગુજરાતમાં પોસ્ટ-હાર્વેસ્ટ મેનેજમેન્ટ માટે એક મજબૂત ઇકોસિસ્ટમ વિકસાવવા આ વર્કશોપમાં વિશેષ રૂપે – ૧. હાર્વેસ્ટીંગ એન્ડ હેન્ડલિંગ ઓફ એગ્રી પ્રોડ્યુસ, ૨. પેકેજિંગ, સ્ટોરેજ અને લોજિસ્ટિક્સ તથા ૩. માર્કેટિંગ એન્ડ કન્ઝ્યુમર ટ્રેન્ડસ જેવા ત્રણ મુખ્ય મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કરવામાં આવશે. આ ઉપરાંત વિવિધ વિષય નિષ્ણાતો દ્વારા એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ ઉત્પાદનોના સંચાલન, માળખાકીય સુવિધાઓ, સંગ્રહો અને માર્કેટિંગમાં આવતી મુશ્કેલીઓ અને તેના ઉકેલો અંગે પોતાના વિચારો રજૂ કરવામાં આવશે.
આ વર્કશોપમાં ગુજરાતના વિવિધ ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPOs), ઉદ્યોગ નિષ્ણાતો, એગ્રીગેટર્સ, કૃષિ સેવા પ્રદાતાઓ, સ્ટાર્ટઅપ્સ, MSMEs, કૃષિ યુનિવર્સીટીઓ, સ્વ સહાય જૂથો અને કૃષિ ઉદ્યોગ સાહસિકો ભાગ લેશે. આ વર્કશોપનો હેતુ નવીન ટેક્નોલોજી પર સહયોગ માટે માળખાકીય વિકાસ, ટેકનોલોજી અપગ્રેડેશન અને માર્કેટ લિન્કેજ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે, જે પોસ્ટ-હાર્વેસ્ટ સપ્લાય ચેઇનમાં રહેલી ખામીઓને દૂર કરવામાં અને તેની કાર્યક્ષમતા વધારવામાં મદદરૂપ થશે.