(જી.એન.એસ) તા. 23
ગોંડલ,
ગુજરાતના ગોંડલમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છ, પાટીદાર સમાજના સગીરને માર મારવાના મામલે રાજકોટમાં ક્ષત્રિય અને પાટીદાર વચ્ચે તણાવ ઊભો થયો હતો. જોકે, મામલો વકરતા બંને સમાજના આગેવાનોએ સર્વ સમાજની બેઠક યોજીને સમાધાન કર્યું હતું.
ત્યારે હવે ભાજપ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયાના નિવેદનથી નવી ચર્ચાઓ શરૂ થઈ છે, તેમને કહ્યું હતું કે, ‘કોઈએ ગોંડલની બેઠક માટે લાળ ટપકાવવાની નથી, ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે.’
વધુમાં અલ્પેશ ઢોલરિયાએ કહ્યું હતું કે, ‘પાટીદાર અને ક્ષત્રિય વચ્ચે રાજવી કાળથી સંબંધ છે. અહીં પાટીદાર અને ક્ષત્રિયો વચ્ચે કોઈ સમસ્યા નથી. જયરાજસિંહ અમારા બાપ સમાન છે. જે લોકો બહારના લુખ્ખાઓ ગોંડલની બેઠક માટે લાળ ટપકાવે છે એ જાણી લે કે, અહીંયા ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે. સૌરાષ્ટ્ર બહારના જે લોકો ગોંડલને અલગ નજરે જુએ છે અને ગોંડલને મિરઝાપુર કહે છે, તેવા ટપોરી અને લુખ્ખા તત્ત્વોને જવાબ આપવા માંગુ છું કે, ગોંડલ ગોકુળિયું ગોંડલ છે અને ભગવતસિંહનું ગોંડલ છે.’
આ બાબતે તેમને જણાવ્યું હતું કે, ‘ગોંડલમાં તમામ સમાજના લોકો એક થઈને રહે છે. 500 કિલોમીટર દૂરથી અને 200 કિલોમીટર દૂરથી ગોંડલની અંદર ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજને અથડાવાના જે પ્રયત્નો કરતા હોય એવા લોકોને અને તેવા ટપોરીઓને ગોંડલ વતી હું સ્પષ્ટપણે જવાબ આપું છું કે, પાટીદાર અને ક્ષત્રિયોને અથડાવવાના તમારા જે સપના છે એ સપના પુરા નહીં થાય.’