(જી.એન.એસ) તા. 20
ગાંધીનગર,
ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજી હળપતિએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં છેલ્લા ૧ વર્ષમાં કુલ ૨૩ સેગ્રીગેશન શેડ બનાવાયા છે જેના માટે કુલ રૂ. ૩૭.૭૬ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. ગ્રામ્ય કક્ષાએ ઘરો, જાહેર સ્થળોએથી ઉત્પન્ન થતા ઘન કચરાને કચરાના નિકાલ માટે ડોર ટુ ડોર કલેકશન કરી તે કચરાને એક નિયત જગ્યા પર એકત્રિત કરી તેના વિભાજન અને કમ્પોસ્ટીંગ પ્રક્રિયા માટે સેગ્રીગેશન શેડનો ઉપયોગ થાય છે.
ડોર ટુ ડોર કચરા એકત્રીકરણ દ્વારા એકઠો થયેલ ઘન કચરાને સેગ્રીગેશન શેડ પર જૈવિક તેમજ અજૈવિક કચરાનું વિભાજન કરી જૈવિક કચરાનું કમ્પોસ્ટીંગ કરી ખાતર બનાવાય છે. અજૈવિક કચરા અને પ્લાસ્ટિક જેમાંથી આવક મળવાપત્ર કચરાને ગ્રામ્ય કક્ષાએ/ તાલુકા કક્ષાએ કબાડીવાળાને વેચાણ કરીને ગ્રામ પંચાયતની વધારાની આવક ઉભી કરી શકાય છે.
રાજકોટ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત ફેઝ ૧ અને ફેઝ ૨ માં તબક્કાવાર મેળવેલ ભૌતિક અને નાંણાકિય સિધ્ધી અંતર્ગત, પ્રથમ ચરણમાં વ્યક્તિગત શૌચાલયમાં ૯૫,૬૮૫ ભૌતિક સિધ્ધિ તથા રૂ.૧૧૪૮૨.૨૦ લાખ નાણાકીય સિધ્ધિ મેળવી છે. દ્વિતિય ચરણમાં કુલ ૯,૫૭૩ ભૌતિક સિધ્ધી અને ૨૦૬૫.૯૪ લાખ નાણાંકીય સિધ્ધી મેળવી છે.