(જી.એન.એસ) તા. 18
ગાંધીનગર,
રાજ્યના નિયમિત નિમણૂક ધરાવતાં સરકારી કર્મચારીઓ માટેની મકાન પેશગી અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે તા.૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ની સ્થિતિએ રાજ્યના કુલ ૬૭૩૮ કર્મયોગીઓએ મકાન બાંધકામ પેશગીનો લાભ લીધો છે, જે અંતર્ગત હાલમાં કર્મચારીઓ દ્વારા સરકારને પરત ચૂકવણીની પ્રક્રિયા ચાલુ છે.
આ અંગે વધુ વિગત આપતાં નાણાં મંત્રીશ્રીએ જણાવ્યું કે નાણાં વિભાગના તા.૧૦ જાન્યુઆરી, ૨૦૨૨ના ઠરાવ મુજબ રહેણાંકના હેતુ માટે જમીનની ખરીદી સહિત નવું મકાન કે ફલેટના બાંધકામ માટે નિયમિત નિમણૂક ધરાવતાં સરકારી કર્મચારીઓને ૩૪ માસિક મૂળ પગાર અથવા મકાનની અપેક્ષિત કિંમત અથવા રૂ. ૨૫ લાખ, એ ત્રણમાંથી જે રકમ ઓછી હોય, તે મકાન પેશગી તરીકે મળવાપાત્ર રહે છે.
આ પેશગીની રકમ ઉપર હાલ ૭.૯ ટકાનો વ્યાજનો દર નિયત કરવામાં આવ્યો છે. સરકારી કર્મચારીએ મકાન પેશગીની મુદ્દલની ૧૮૦ હપ્તામાં તેમજ વ્યાજની ૬૦ હપ્તામાં ભરપાઇ કરવાની રહે છે.
વધુમાં, મંત્રીશ્રીએ કહ્યું કે મકાન પેશગી મેળવી હોય તેવા કર્મચારીનું ચાલુ નોકરી દરમ્યાન અવસાન થાય તેવા કિસ્સામાં મકાન બાંધકામ પેશગીની બાકી રહેતી મુદ્દલ અને વ્યાજની રકમ માંડવાળ કરવામાં આવે છે. આમ, તેમના કુટુંબીજનોએ કોઇ રકમ ભરવાની રહેતી નથી. જે અંતર્ગત, ચાલુ નાણાકીય વર્ષમાં મકાન પેશગીના આવા ૨૩ કેસમાં કુલ રૂ. ૪૩,૦૧,૮૮૧ની રકમ માંડવાળ કરવામાં આવી છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.