વિધાનસભામાં કલાકારોને આમંત્રણ મુદ્દે વિવાદ
વિક્રમ ઠાકોરને સમાજ રત્નનો અવોર્ડ આપીશું : નવઘણજી
(જી.એન.એસ) તા.15
ગાંધીનગર,
તાજેતરમાં ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહીને નિહાળવા માટે ગુજરાતભરના ખ્યાતનામ કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, આ મુદ્દે ઠાકોર સમાજના કલાકારોની અવગણના કરવામાં આવી હોવાનો આરોપ મૂકીને ગુજરાતી ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોર મેદાને છે. આ મામલે તેમણે અગાઉ વીડિયો થકી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. હવે તેમણે ફરી એકવાર પ્રેસ કોન્ફરન્સ કરીને મુદ્દાસર રજૂઆતો કરી હતી. વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે, ‘ઘણાં સમયથી હું જોતો આવ્યો છું કે સરકાર દ્વારા અમારા ઠાકોર સમાજની સતત અવગણના થાય છે. આ બાબત સરકારની જાણ બહાર પણ હોઇ શકે, કલાકારોને મીડિયેટર વિધાનસભામાં લઈ ગયા હતા, પરંતુ હું ઘણાં સમયથી જોઇ રહ્યો છું કે ઘણાં બધા સરકારી કાર્યક્રમો હોય તેમાં ઠાકોર સમાજનો કોઈ દીકરો કે દીકરી હોતા નથી.’
વિક્રમ ઠાકોરની નારાજગી પર નવઘણજી ઠાકોરની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, ‘અમારા સમાજને અન્યાય થઈ રહ્યો છે. ઠાકોર સમાજને કોઈ અવોર્ડ અપાતા નથી. વિક્રમ ઠાકોરની ફિલ્મો ભારતભરમાં જોવાય છે.’ તેમણે આગળ કહ્યું કે, ‘ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પડી ભાંગી હતી ત્યારે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વિક્રમ ઠાકોરે મોટું યોગદાન આપ્યું છે. અમે વિક્રમ ઠાકોરને સમાજ રત્નનો અવોર્ડ આપીશું.’
રાજકારણમાં આવવાની અટકળો અંગે સ્પષ્ટતા કરતાં વિક્રમ ઠાકોરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેઓ રાજકારણમાં આવવાના નથી. તેને સ્પષ્ટતા કરી કે તેના ખભા પર રહેલો ખેસ કોઈ રાજકીય પક્ષનો નથી, પરંતુ રામદેવ પીરનો છે. તેને કહ્યું કે, તેનો કોઈ રાજકીય પક્ષ સાથે સંબંધ નથી. વિક્રમ ઠાકોરે યાદ અપાવ્યું કે, 2007માં નરેન્દ્ર મોદીએ તેને બોલાવ્યો હતો અને તે સમયે પણ તેને રાજકારણમાં જોડાવાની ઓફર મળી હતી, પરંતુ તેને રાજકારણમાં રસ નથી. તેને આશા વ્યક્ત કરી કે મુખ્યમંત્રીને આ બાબતની જાણ નહીં હોય.
વિક્રમ ઠાકોરે કહ્યું કે, તેઓ પોતાના સમાજના લોકો સાથે છે અને સમાજ જે નિર્ણય લેશે તે પ્રમાણે તેઓ આગળ વધશે. તેને જણાવ્યું કે, અલ્પેશ ઠાકોરે તેમને મુખ્યમંત્રી પાસે લઈ જવા માટે વાત કરી છે અને અન્ય કલાકારોને પણ બોલાવવાની રજૂઆત કરવાની ખાતરી આપી છે. અન્ય ભાજપના આગેવાનોએ પણ તેનો સંપર્ક કર્યો છે.
પોતાની નારાજગીના કારણો સ્પષ્ટ કરતાં વિક્રમ ઠાકોરે કહ્યું કે, તેમણે આ મુદ્દો રાજકારણમાં જોડાવા માટે નથી ઉઠાવ્યો, પરંતુ માત્ર તેમના સમાજના કલાકારોને ન્યાય મળે તે માટે કર્યો છે. તેને પુનરોચ્ચાર કર્યો કે સમાજ જે નિર્ણય લેશે તેનું તેઓ પાલન કરશે. આગામી 2 દિવસમાં તેઓ સમાજના આગેવાનો સાથે બેઠક કરીને આ અંગે અંતિમ નિર્ણય લેશે. તેનો મુખ્ય મુદ્દો એ જ છે કે ઠાકોર સમાજના કલાકારોને ભૂલવા જોઈએ નહીં અને તેમનું યોગ્ય સન્માન થવું જોઈએ.