પ્રથમ દિવસે જ ઉર્મિલા બાની ઓર્ગેનિક પ્રોડક્ટનું રૂ.25 હજારનું વેચાણ
પ્રોડક્ટ ચાર દિવસ ચાલે તેટલી લાવી હતી પરંતુ નમો સખી સંગમ મેળો પૂર્ણ થતાં પહેલાં પૂર્ણ થઈ જશે : ઉર્મિલા બા
(જી.એન.એસ) તા. 10
કચ્છ,
મને ગર્વ છે કે હું નારી શક્તિ છું, અમને યોગ્ય પ્લેટફોર્મ મળે તો ધારી સફળતા અમે હાંસલ કરી શકીએ છીએ આ શબ્દો છે નમો સખી સંગમ મેળામાં સહભાગી બનેલા કચ્છના લખપત તાલુકાના દયાપર ગામના ઉર્મિલાબા જાડેજાના
ઉર્મિલા બા આશાપુરા માં સખી મંડળના સભ્ય છે તેઓ પોતાનો પ્રતિભાવ આપતાં કહે છે કે, અમે રહ્યાં જાડેજા એટલે અમારે બહાર જવાનું ન બને, હું માત્ર ચાર ધોરણ ભણેલી એટલે કરી પણ શું શકીએ પરંતુ કંઈક કરી છૂટવાની અદમ્ય ઈચ્છા શક્તિ અને યોગ્ય માર્ગદર્શન મળે તો પરિણામ કંઈક અલગ જ હોય છે.
ઉર્મિલા બા કહે છે કે, અમારે આઠ એકરની જમીન છે એમાં અમે માત્ર ઓર્ગેનિક મગ,મઠ,મકાઈ, જારનું વાવેતર કરીએ છીએ એમાંથી અમે મેથી માંથી ગાંઠિયા, મઠમાંથી પાસ્તા, મગમાંથી વાટકી, મકાઈમાંથી ચક્કર પારા તેમજ ચિપ્સ બનાવતાં એય પાછું તેલમાં નહીં રેતી અથવા મીઠામાં ફ્રાય કરીને એટલે જે પણ લોકો અમારી આ વસ્તુઓ ખરીદે તેમની તંદુરસ્તી પણ જળવાઈ રહેતી. પરંતુ આ અમારી શરૂઆત હતી એટલે ધીમે ધીમે અમારી પ્રોડક્ટનું વેચાણ અમે અમારી રીતે કરતાં.
ઉર્મિલા બા વાત આગળ વધારતાં કહે છે કે, અમારી ઓર્ગેનિક પ્રોડક્ટ હોવાથી સહેલાઈથી વેચાણ થઈ જતું હતુ પરંતુ અમારી પાસે એવું કોઈ પ્લેટફોર્મ ન હોવાથી અમારા વિસ્તાર પૂરતું જ સીમિત રહેતું.તેવામા અમને સમાચાર મળે છે કે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અને કેન્દ્રિય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના નેતૃત્વમાં ભાવનગરમાં ચાર દિવસીય નમો સખી સંગમ મેળાનું ભવ્ય આયોજન થવાનું છે તેમાં પણ એક રૂપિયો લીધા વિના વિનામૂલ્યે સ્ટોલ ફાળવવાના છે. બસ મારા માટે આ એક મોટી તક હતી જેનો મેં લાભ લીધો અને પ્રથમ દિવસેજ મને રૂ.25 હજાર જેટલી માતબર રકમનું વેચાણ થયું.
વધુમાં તેઓ હર્ષની લાગણી અનુભવતાં કહે છે કે,મારી પ્રોડક્ટ જે ચાર દિવસ ચાલે તેટલી લાવી હતી પરંતુ આજે અથવા તો આવતીકાલે તે પણ પૂરી થઈ જશે..એટલે કે ચાર દિવસ પહેલાં જ મારી તમામ વસ્તુઓનું વેચાણ થઈ જશે..આ મારી સફળતા નહીં તો બીજું શું એમ કહી એમણે સરકારની સાથે નમો સખી સંગમ મેળાના તમામ આયોજકોનો આભાર વ્યક્ત માન્યો હતો.
ઉર્મિલા બા સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વાત કરતાં કહે છે કે, સરકારની તમામ યોજનાઓનો લાભ લેવો જોઈએ. અમારા આશાપુરા માં સખી મંડળમાં દસ જેટલી બહેનો છે જેમાં અમે દોઢ લાખ વીવો અને બે લાખ સીસી એમ કરીને અમે સાડા ત્રણ લાખની લોન લીધી છે જે અમારાં માટે ખૂબ જ ઉપયોગી બની છે.