(જી.એન.એસ, જિતેન્દ્ર ઉપાધ્યાય) તા. 9
સાબરકાંઠા,
વહેલી સવારે સાબરકાંઠામાં ભયાનક અકસ્માતની ઘટના બની હતી જેમાં ચાર યુવાનોના મોત થયા છે. બે બાઈક સામસામે અથડાતાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યા હતા. આ અકસ્માત મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર, આ અકસ્માત લાંબડિયાથી કોટડા રોડ પર નવા મોટા ગામ પાસે થયો હતો. બાઇક વચ્ચે સામસામે ટક્કરમાં ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક યુવાનનું મોત નીપજ્યું હતું. આ રીતે, આ દુ:ખદ અકસ્માતમાં ચાર યુવાનોએ જીવ ગુમાવ્યા. માહિતી મળ્યા બાદ ખેરોજ પોલીસ સ્ટેશને આગળની કાર્યવાહી શરૂ કરી છે.