બજેટમાં મહિલાઓ, યુવાનો, નોકરિયાતો અને વ્યવસાયિકો એમ તમામ વર્ગને ધ્યાનમાં રાખીને જોગવાઈ કરવામાં આવી
(જી.એન.એસ) તા. 20
ગાંધીનગર,
ગુજરાત સરકારના નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં ગુજરાત બજેટ 2025-26 પ્રસ્તુત કર્યું, જે વિકસિત ગુજરાત-2047 થકી વિકસિત ભારત-2047નું નિર્માણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ બજેટને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં “વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જન કલ્યાણનું” ની પ્રતિબદ્ધતા દર્શાવતું બજેટ ગણાવ્યું છે. નાણામંત્રીશ્રીએ પ્રસ્તુત કરેલા આ બજેટને ગુજરાતની પ્રજાએ ઉમળકાભેર આવકાર્યું છે, અને તેને સર્વસમાવેશી તેમજ દરેક ક્ષેત્ર અને વર્ગના લોકો માટે સંતોષકારક ગણાવ્યું છે. આ બજેટમાં મહિલાઓ, યુવાનો, નોકરિયાતો અને વ્યવસાયિકો એમ તમામ વર્ગને ધ્યાનમાં રાખીને જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યના પ્રતિષ્ઠિત નાગરિકોએ આ બજેટ અંગે જે હકારાત્મક પ્રતિક્રિયાઓ આપી છે, તે નીચે મુજબ છે:
1.
VCCIના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ હિમાંશુ પટેલે 2025-26ના બજેટને આવકારીને તેને સમાજના દરેક ક્ષેત્રના લોકો માટે સંતોષકારક ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સરકારે વર્ષ 2025ને ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે ત્યારે આ બજેટ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓના વિકાસ માટેની વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સ્વચ્છ હવા માટેની પહેલો, આઈટીઆઈમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) અને ‘ઘરનું ઘર’ માટે સબસિડીમાં વધારો કરવાની જાહેરાતથી બાંધકામ ક્ષેત્રને વેગ મળશે. વડોદરાની વાત કરીએ તો, સરકારે વર્કિંગ વિમન્સ હોસ્ટેલ, મેડિસિટી બનાવવાની અને ઍરપોર્ટના વિકાસ માટેની યોજના જાહેર કરી છે; ખાસ કરીને, કમિશનરેટ ઑફ સર્વિસીસની રચનાથી સેવા ક્ષેત્રને ફાયદો થશે. સરકારે આ બજેટમાં તમામ લોકોના ફાયદાઓને ધ્યાનમાં રાખીને દરેક ક્ષેત્રનો સમાવેશ કર્યો છે.
2.

MSUના ફેકલ્ટી ઑફ ફૅમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સિસમાં ફૅમિલી એન્ડ કોમ્યુનિટી રિસોર્સ મૅનેજમેન્ટ વિભાગમાં અસ્થાયી સહાયક પ્રોફેસર અલિન્દા કશ્યપે વડોદરામાં વર્કિંગ વિમન્સ હોસ્ટેલ સ્થાપવાના સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું છે. અલિન્દા કશ્યપ આસામના છે અને તેઓ 2023થી ફેકલ્ટીમાં કાર્યરત છે. તેમણે જણાવ્યું હતું કે, આ નિર્ણય તેમના જેવી અનેક મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરે છે, જેઓ નોકરી માટે વિવિધ રાજ્યોમાંથી આવે છે. બીજું, તેમને યોગ્ય રેન્ટલ હાઉસિંગ મળશે, જે તેમને એક સમુદાય બનાવવામાં મદદ કરશે અને કોમ્યુનિકેશન સરળ બનાવશે. આ હોસ્ટેલથી તેઓ સરળતાથી ટાઈમ મેનેજમેન્ટ કરી શકશે અને તેમને ઘર જેવું વાતાવરણ પૂરું પાડશે.
3.

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રિજિઅનલ ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ 2025-26નું ચોથું બજેટ રજૂ કર્યું છે. આ બજેટનું કુલ કદ 3 લાખ 20 હજાર કરોડ રૂપિયાનું છે, જે ગયા વર્ષની તુલનામાં 21.8% વધુ છે. આ બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, શિક્ષણ અને નાનઘર માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. ગુજરાત MSME હબ તરીકે વિકસી રહ્યું છે, અને તેની પ્રગતિ માટે સરકાર દ્વારા ₹2 હજાર કરોડ ફાળવવામાં આવ્યા છે. સંકલિત રીતે જોવામાં આવે તો, આ બજેટ ગુજરાતના સર્વાંગી વિકાસ માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે.
4.

ઉદ્યોગકાર વિરલ દેસાઈએ જણાવ્યું કે, “ગુજરાત સરકાર દ્વારા રજૂ કરાયેલું આ બજેટ ખરેખર ઐતિહાસિક છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈને હું હાર્દિક અભિનંદન પાઠવું છું. કુલ ₹3.70 લાખ કરોડના આ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, શિક્ષણ, મહિલા વિકાસ અને ખેડૂત કલ્યાણ જેવા ક્ષેત્રો માટે મહત્વની ફાળવણી કરવામાં આવી છે.” વધુમાં તેમણે કહ્યું કે, “હું ખાસ કરીને પર્યાવરણ ક્ષેત્રે કાર્ય કરું છું, અને ગુજરાત માટે આ ગૌરવની વાત છે કે અહીં પહેલીવાર ‘ક્લાઈમેટ ચેન્જ’ વિભાગની રચના કરવામાં આવી છે. આ બજેટમાં પર્યાવરણ અને હવામાન પરિવર્તન માટે ફાળવણી કરવામાં આવી છે, જે એક ઉત્તમ પગલું છે. હું આ ઐતિહાસિક બજેટ માટે સમગ્ર સરકારને અભિનંદન પાઠવું છું.”
5.

અમદાવાદના એડ્વોકેટ શ્રી પ્રદીપ જૈન જણાવે છે કે, “જનસુખાકારી દ્વારા વિકસિત ગુજરાતનું બજેટ આજે રાજ્યના નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઇએ રજૂ કર્યું છે. આ બજેટની અંદર ગુજરાતના તમામ શહેરીજનો, ગ્રામીણજનો અને આદિવાસીઓને, યુવાનો અને બહેનોને આવરી લેતું આ બજેટ છે. મુખ્ય જે જોગવાઈઓ છે એમાં, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અત્યારસુધી ₹1 લાખ 20 હજારની સબસીડી આપવામાં આવતી હતી, તે વધારીને ₹1 લાખ 70 હજાર કરવામાં આવી, એટલે કે ₹50 હજારનો વધારો કરવામાં આવ્યો. આદિવાસી કલ્યાણ માટે આ વર્ષે આદિવાસીઓના ભગવાન ગણાતા શ્રી બિરસા મુંડાની જન્મજયંતીને ધ્યાનમાં રાખીને ₹30 હજાર કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી. એના માધ્યમથી શિક્ષણ, રોજગારી અને લોકકલ્યાણના કામો થશે. બે નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વેની જાહેરાત કરવામાં આવી. એના કારણે શહેરોથી રાજ્યના સાગરકિનારાના વિસ્તારો છે, એને જોડતા આ ગ્રીનફિલ્ડ બનશે. કૃષિક્ષેત્ર માટે પણ લગભગ ₹1612 કરોડથી વધારે રકમ ફાળવવામાં આવી છે. આવનારું ભવિષ્ય જે બાળકોમાં છે, એ બાળકોના પોષણ માટે પણ લગભગ ગત વર્ષના બજેટ કરતા 25% જેટલી માતબર રકમનો વધારો કરીને ₹8460 કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી છે.”
6.

રજૂ થયેલા બજેટને રાજકોટ ચેમ્બર ઑફ કોમર્સના સેક્રેટરી નૌતમભાઇ બારસીયાએ આવકારતા જણાવ્યું હતું કે, “બજેટ સર્વાંગી વિકાસ કરનારું છે. ખાસ કરીને ઉદ્યોગ અને ખાણ ખનીજ ક્ષેત્રે ₹11,706 કરોડથી વધુની રકમની ફાળવણી તેમજ સ્ટાર્ટઅપ માટે ₹3600 કરોડથી વધુની ફાળવણી આ બજેટમાં કરવામાં આવી છે. જેને પરિણામે ખાસ કરીને રાજકોટના એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગને ખૂબ મોટો લાભ આ બજેટમાં થવાનો છે તેમ ચોક્કસ કહી શકાય. આજના બજેટમાં શિક્ષણ, આરોગ્ય, મહિલા, બાળકો, યુવાનો તમામ માટે જોગવાઈ કરવામાં આવી છે, જેના કારણે આ બજેટ સર્વાંગી વિકાસ કરનારું સાબિત થશે. આ બજેટ વિકાસની નવી ઊંચાઈએ લઈ જશે.”