Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

15 મી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્રના મંગલ પ્રારંભે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું વિધાનસભા ગૃહને સંબોધન


ગત અઢી દાયકાનો શાસનકાળ ગુજરાતના સુવર્ણયુગ સ્વરૂપે લોકહૃદયમાં અંકિત છે

.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતના ગત બે વર્ષ સેવા, સંકલ્પ અને સમર્પણના રહ્યા છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

(જી.એન.એસ) તા. 19

ગાંધીનગર,

‘ગુજરાત’ શબ્દ સાંભળતાં જ આપણા માનસપટ પર વિકાસનો નકશો ઊભરી આવે છે. ગુજરાતના ઇતિહાસમાં પાછલા અઢી દાયકાનો શાસનકાળ ગુજરાતના સુવર્ણયુગ સ્વરૂપે લોકહૃદયમાં અંકિત છે. 15 મી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્રના મંગલ પ્રારંભે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિધાનસભા ગૃહને સંબોધતાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારના પાછલા બે વર્ષ સેવા, સંકલ્પ અને સમર્પણના રહ્યા છે. વિકાસની તમામ યોજનાઓમાં GYAN – ગરીબ, યુવા, અન્નદાતા-ખેડૂત અને નારીશક્તિ કેન્દ્રસ્થાને રહ્યા છે. ગુજરાતે પાછલા ત્રણ વર્ષોમાં વિવિધ 12 પૉલિસીઓનો અસરકારક અમલ કરીને ‘પૉલિસી ડ્રિવન સ્ટેટ’ તરીકેની છબી વધુ મજબૂત કરી છે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, વિકસિત ભારત’ માટે ‘વિકસિત ગુજરાત’ના ધ્યેય મંત્ર સાથે રાજ્ય સરકારે વિકસિત ગુજરાત@૨૦૪૭ ડાયનેમિક ડોક્યુમેન્ટ- રોડમેપ તૈયાર કર્યો છે. ‘અર્નિંગ વેલ’ અને ‘લિવિંગ વેલ’ એમ બે મુખ્ય પિલ્લર પર આધારિત આ રોડમેપ દ્વારા રાજ્યના લોકોનું જીવનધોરણ સુગમ અને સર્વોત્તમ બનાવવાનાં અને તેમની સમૃદ્ધિને અર્થવ્યવસ્થામાં સહભાગી બનાવવાના લક્ષ્ય સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે. આ લક્ષ્ય સુઆયોજિત અને સુવ્યવસ્થિત રીતે સિદ્ધ કરવા માટે તેમજ લાંબા ગાળાની નીતિ અને વ્યૂહરચના ઘડવા માટેની ‘થિન્‍ક ટેન્‍ક’ તરીકે ગુજરાત રાજ્ય દ્વારા ઈન્સ્ટિટ્યુશન કોર ટ્રાન્સ્ફોર્મેશન – ગ્રીટની સ્થાપના કરવામાં આવી છે.

શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રો-એક્ટિવ પૉલિસીઝ, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, મૂડી રોકાણકારો માટે સાનુકૂળ માહોલ, સુગ્રથિત ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રકચર અને ઉચ્ચ જીવનધોરણ જેવા પરિબળો થકી ગુજરાત આજે દેશ અને દુનિયાના રોકાણકારો માટે ‘ડેસ્ટિનેશન ઓફ ફર્સ્ટ ચોઈસ’ બન્યું છે. પૉલિસી ડ્રિવન અને સેક્ટર સ્પેસિફિક પૉલિસીઝ ધરાવતા સ્ટેટ તરીકે ગુજરાત દેશ-વિદેશના ઉદ્યોગકારો માટે ‘બેસ્ટ ચોઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ’ બનવા પાછળ ગુજરાત સરકારના ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહિત કરતા વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જેવા કાર્યક્રમોની શૃંખલાનો સિંહફાળો છે. છેલ્લા બે દાયકામાં ઔદ્યોગિક વિકાસ સહિત દરેક ક્ષેત્રમાં કરેલી પ્રગતિના કારણે ગુજરાતનું નામ વૈશ્વિક સ્તરે ગુંજી રહ્યું છે.

રાજ્યની ઔદ્યોગિક પ્રગતિના સીમાચિન્હ રૂપ ધોલેરા ‘પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી’ બનવાનું છે. રાજય સરકારે સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યૂફેક્યરિંગ માટે ધોલેરામાં ‘પ્લગ એન્ડ પ્લે’ સુવિધા વિકસાવી છે. એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ઇન્ફ્રાસ્ટ્રકચર અને ટૅકનોલૉજીની વાત આવે ત્યારે સેમિકન્ડક્ટર સેક્ટરમાં આત્મનિર્ભરતા માટે ‘ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન’માં ગુજરાતના પ્રદાનને યાદ કરવું જ પડે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ‘ગુજરાત સેમિકન્ડકટર પોલિસી ૨૦૨૨-૨૭’ જાહેર કરી છે. દેશભરનાં રાજ્યોમાં સૌપ્રથમ સેમિકન્ડક્ટર પૉલિસી ગુજરાતે અમલી બનાવી છે. ટૂંકાગાળામાં ભારતે સેમિકન્‍ડક્ટર ક્ષેત્રે વિશ્વના  દેશોનું ધ્યાન ખેચ્યું છે. ગુજરાતે પૉલિસી જાહેર કર્યા બાદ માઈક્રોન જેવી પ્રતિષ્ઠિત કંપનીઓ પણ ગુજરાત સરકારના પ્રયાસોમા સહભાગી થઈ છે.

ગુજરાતે દેશમાં સૌપ્રથમ વર્ષ ૨૦૦૯ માં ‘સોલાર પૉલિસી’ જાહેર કરી ને સોલાર ઉર્જાના વ્યવસાયિક ઉપયોગ માટે  પ્રોત્સાહન આપી તેના વિકાસમાં નવીન માર્ગ કંડાર્યો છે. રાજ્ય સરકારના સતત પ્રોત્સાહન તેમજ માળખાકીય અને કાયદાકીય ફ્રેમવર્ક થકી ગુજરાતે ડિસેમ્બર ૨૦૨૪ ની સ્થિતિએ ૧૬,૭૯૫ મે.વો. કુલ સ્થાપિત ક્ષમતા પ્રાપ્ત કરી છે. રાજ્યપાલશ્રી એ કહ્યું હતું કે, રાજયએ સોલાર ઉર્જાના જન સાધારણ ઉપયોગ તેમજ વ્યાપ માટે રૂફટોપ સોલારને પણ સતત પ્રોત્સાહન આપી કુલ ૪૮૨૨ મે.વો. સ્થાપિત ક્ષમતા સાથે દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ગુજરાતમાં રહેલી  પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે વિશાળ સંભાવના, મજબૂત પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પરિપક્વ એલ.એન.જી. પાઇપલાઇન નેટવર્ક સાથે, ગુજરાત દેશમાં ગ્રીન હાઇડ્રોજનનું હબ બનવા માટે તૈયાર છે. આ માટે ગુજરાત સરકાર દ્વારા ૩૦ લાખ મેટ્રીક ટન પ્રતિ વર્ષ ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

ભુજ-કચ્છના સ્મૃતિવન મ્યુઝિયમને યુનેસ્કોનું પ્રતિષ્ઠિત ‘પ્રિક્સ વર્સેઇલ્સ ૨૦૨૪ વર્લ્ડ ટાઈટલ’ એનાયત કરવામાં આવ્યું છે અને આ ઍવૉર્ડ થકી ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને ૨૦૨૪માં વિશ્વના ૭ સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન મળ્યું છે તેનો પણ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત જઈએ ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મસ્થળ વડનગરમાં પુરાતન નગરીના પુરાતત્ત્વીય વારસાને ઉજાગર કરતા આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું છે. વડનગરનું મ્યુઝિયમ વડનગરની માત્ર પુરાતન સંસ્કૃતિ જ નહીં, પરંતુ વ્યાપાર, નગરરચના, શિક્ષા અને શાસન-વ્યવસ્થાના યોગદાનને પણ ઉજાગર કરે છે. આ મ્યુઝિયમે વડનગરની અઢી હજાર વર્ષની યાત્રાને જીવંત કરવાનું કામ કર્યું છે, એમ રાજ્યપાલશ્રીએ કહ્યું હતું. પ્રજાસત્તાક દિવસ નિમિત્તે યોજાતી પરેડમાં લોકપ્રિયતાની શ્રેણીમાં ગુજરાતના ટેબ્લોને સતત ત્રીજા વર્ષે પ્રથમ ક્માંક પ્રાપ્ત થયો છે જે, આપણા સૌ માટે ગૌરવની વાત છે એમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલી કલ્યાણકારી યોજનાઓની પ્રગતિની વિગતવાર માહિતી આપી હતી.

પંદરમી વિધાનસભાના સન્માનીય ગૃહને સંબોધવાનો અવસર મળવા બદલ આનંદ વ્યક્ત કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, માનવીય સંવેદનાથી ધબકતી આર્થિક પ્રગતિ અને માનવ શક્તિના વિકાસને  વરેલી ગુજરાત સરકાર સામાન્ય માનવીની સર્વાંગી સુખાકારી, પાયાની જરૂરિયાતોની પૂર્તિ અને રાજયની વિકાસ યાત્રામાં તમામ નાગરિકોની ભાગીદારીના ધ્યેય સાથે સતત કાર્યરત છે. વિશાળ જનસમુદાયના હિતને હંમેશાં અગ્રતા આપી કરવામાં આવતી કામગીરી થકી રાજયના વિકાસની  સામાન્ય પ્રજાજનને અનુભૂતિ થઇ છે. ‘ નિરપેક્ષ નેતૃત્વ, નિરંતર વિકાસ’ ની નવતર પરિભાષા ગુજરાતમાં અંકિત થઇ છે. સરકાર તેઓની પડખે છે એવો અહેસાસ પ્રજાને થાય તેવું દાયિત્વ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકારે નિભાવ્યું છે.

        આઝાદીની ચળવળમાં અગ્ર ભાગ ભજવનાર ગુજરાત રાષ્ટ્રને વિશ્વ ફલક પર સન્માનનીય સ્થાન અપાવવામાં પણ અગ્ર ભાગ ભજવશે એવો  વિશ્વાસ વ્યક્ત કરતાં રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, દરેક ગુજરાતી વિશ્વમાં ગુજરાતી હોવાનું ગૌરવ લઇ શકે અને ગુજરાત વિશે સ્વાભિમાન ધરાવી શકે તેવા ગુજરાતનું નિર્માણ કરવાની જવાબદારી જનતાએ આપ સૌને સોંપી છે. આપ સૌ આપના જાહેર જીવનના અનુભવો અને પ્રજાજીવનની અપેક્ષાઓ નજર સમક્ષ રાખી ‘દિવ્ય ગુજરાત – ભવ્ય ગુજરાત’ના જનપ્રતિનિધિ તરીકે આપનું શ્રેષ્ઠ યોગદાન આપશો તેવી અભિલાષા રાખું છું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલ  ‘સૌનો સાથ સૌનો વિકાસ’ ના મંત્રને  આધાર બનાવીને આપણે સૌ સદૈવ ગુજરાતના વિકાસ માટે પ્રયત્નશીલ રહીએ  અને સવા છ કરોડ ગુજરાતીઓના સમૃદ્ધિ અને કલ્યાણ પ્રત્યે કટિબદ્ધ રહીએ તેવી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શુભકામનાઓ પાઠવી હતી.

संबंधित पोस्ट

સુરત: પાલ ઉમરા બ્રિજ પર સર્જાયો ભયાવહ અકસ્માત, બાઇકસવાર બે યુવક ડિવાઇડર સાથે અથડાઈ 3 ફૂટ હવામાં ફંગોળાયા, પછી 15 ફૂટ નીચે પટકાયા, એકનું મોતસુરત: પાલ ઉમરા બ્રિજ પર સર્જાયો ભયાવહ અકસ્માત, બાઇકસવાર બે યુવક ડિવાઇડર સાથે અથડાઈ 3 ફૂટ હવામાં ફંગોળાયા, પછી 15 ફૂટ નીચે પટકાયા, એકનું મોત

Karnavati 24 News

Teslaમાં ક્યા ભારતીયને મળી હતી પ્રથમ નોકરી, ખુદ એલન મસ્કે કર્યો ખુલાસો

Karnavati 24 News

CAની આર્ટિકલશિપનો સમય ત્રણથી ઘટાડી બે વર્ષનો કરાશે, ઇન્ટર પછી બે વર્ષની ફરજિયાત આર્ટિકલશિપ કરવી પડશે

Admin

બોટાદ જિલ્લાના લાઠીદડ ખાતે રૂ.૬.૬૦ કરોડના ખર્ચે સામુહિક આરોગ્ય કેન્દ્રના નવા મકાનનું નિર્માણ કરાશે: આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ

Gujarat Desk

માર્ચ મહિનાનાં પ્રથમ પખવાડિયામાં બે વખત પીએમ મોદી ગુજરાત આવશે; પ્રથમ ફેઝમાં જામનગર અને સાસણની મુલાકાત તે તેવી સંભાવના; બીજા ફેઝમાં પીએમ મોદી સુરતની મુલાકાત લઈ શકે છે

Gujarat Desk

સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો: ગુજરાતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામે નવી લડાઈનો પ્રારંભ

Gujarat Desk
Translate »