



કેટલીક મોટી મલ્ટીનેશનલ કંપનીમાં ભારતીય મૂળના લોકો ટોપના પદ પર કામ કરી રહ્યા છે. વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક ખુદ પણ ભારતીય પ્રતિભાના ફેન છે.
એલન મસ્કે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ છે કે તેમની ઓટો કંપની ટેસ્લામાં ભારતીય મૂળના ક્યા વ્યક્તિને પ્રથમ નોકરી મળી હતી. રસપ્રદ વાત એ છે કે ટેસ્લામાં પ્રથમ નોકરી મેળવનારા ભારતીય મૂળના અશોક ઇલ્લુસ્વામી અત્યારે સોફ્ટવેર ડિવીઝનને લીડ કરે છે.
અશોકે જાન્યુઆરી 2014માં ટેસ્લાનું ઓટો પાયલટ ડિવીઝન જોઇન કર્યુ હતુ. એક સોફ્ટવેર એન્જિનિયરના રૂપમાં ટેસ્લા સાથે કરિયરની શરૂઆત કરનારા અશોકને સતત પ્રમોશન મળ્યુ અને આજે તે કંપનીની સોફ્ટવેર યૂનિટના હેડ બની ગયા છે.
તેમણે માત્ર બે વર્ષમાં પ્રથમ પ્રમોશન મળ્યુ હતુ અને જૂન 2016માં સીનિયર સોફ્ટવેર એન્જિનિયર બનાવી દેવામાં આવ્યા હતા. તે બાદ સપ્ટેમ્બર 2017માં તે સીનિયર સ્ટાફ સોફ્ટવેર એન્જિનિયર બનાવવામાં આવ્યા હતા. મે 2019માં તે સોફ્ટવેર યૂનિટને લીડ કરી રહ્યા છે.
લિંકડઇન પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, અશોકે ચેન્નાઇની કોલેજ ઓફ એન્જિનિયરિંગ ગુઇન્ડીમાંથી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગની ડિગ્રી લીધી છે.