પશુપાલન અને ખેતી એકબીજાના પૂરક છે, બન્નેને એકસાથે વિકસાવવામાં આવે તો ખેડૂતોની આવકમાં ઝડપી વધારો થશે : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
(જી.એન.એસ) તા. 11
હિંમતનગર, (જીતુ ઉપાધ્યાય ફોટો દક્ષ ભટ્ટ)
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે સાબરકાંઠાના હિંમતનગર ખાતે સાબર ડેરીમાં પશુપાલકો અને ખેડૂતોને સંબોધતાં જણાવ્યું કે પશુપાલન અને ખેતી એકબીજાના પૂરક છે, અને જો આ બે ક્ષેત્રોને એકસાથે વિકસાવવામાં આવે તો ખેડૂતોની આવકમાં ઝડપી વધારો થશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મો-દીના દ્રષ્ટિકોણને સમર્થન આપતાં તેમણે જણાવ્યું કે, ખેડૂતોની આવક બમણી કરવી એ દેશ માટે એક મહત્વપૂર્ણ લક્ષ્ય છે. તેમણે કહ્યું કે, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા આર્થિક સમૃદ્ધિ સાથે પ્રકૃતિનું સંરક્ષણ પણ થાય છે.
સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ-સાબર ડેરી દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસ્વાદમાં સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોને અને પશુપાલકોને સંબોધતાં શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, સેક્સ-સોર્ટેડ સિમેન ટેક્નોલોજી અને ઉચ્ચ ગુણવત્તાની ભારતીય જાતિની ગાયો દ્વારા અદ્યતન પશુપાલન વિકસાવવામાં ગુજરાત સરકાર અને ભારત સરકારનું મહત્વપૂર્ણ યોગદાન છે. આ ટેક્નોલોજી દ્વારા પશુપાલનમાં ગુણવત્તા વધારવા અને ગાયોના દુધની ઉપજમાં વધારો લાવવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા પર ભાર મુકાયો છે.
તેમણે જણાવ્યું હતું કે, સેક્સ-સોર્ટેડ સિમન ટેક્નોલોજી અને ગર્ભ પ્રત્યારોપણ પદ્ધતિ દ્વારા પશુધનનું જૈવિક સંવર્ધન અને દૂધ ઉત્પાદનમાં વધારો કરવામાં ગુજરાત રાજ્ય આગળ વધી રહ્યું છે. સાથોસાથ ગૌમૂત્ર અને ગોબરથી પ્રાકૃતિક ખાતર બનાવી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા, જેથી જમીનનું પોષણ તત્ત્વ જળવાઈ રહે અને ખેતી વધુ ફળદાયી બને એ દિશામાં પ્રયત્નો થઈ રહ્યા છે.
ખેડૂતો માટે ડેરી ઉદ્યોગ એક મહત્ત્વપૂર્ણ આવક સ્ત્રોત બની શકે છે, અને જો યોગ્ય પશુપાલન કરવામાં આવે તો એક ગાયથી દર મહિને 26 લિટર સુધી દૂધ ઉત્પાદન શક્ય બને છે, જેના આધારે સામાન્ય ખેડૂત પણ લાખોની આવક મેળવી શકે છે. શ્રી આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતોને આહ્વાન કર્યું કે, પશુપાલન સાથે સંકળાયેલા તમામ લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળે, ગૌપાલન અને આધુનિક ટેક્નોલોજીના સંયોજન દ્વારા કૃષિ ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી શકાશે. જો દરેક ખેડૂત અને પશુપાલક આ દિશામાં પ્રગતિ કરશે તો તે માત્ર ગુજરાત જ નહીં, પણ સમગ્ર ભારત માટે કૃષિ ક્ષેત્રે એક નવી ક્રાંતિ થશે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટી છે, એટલું જ નહીં તેમાંથી ઉત્પન્ન થતા ધાન્યો પણ ઝેરયુક્ત બન્યા છે, જેની નાગરિકોના સ્વાસ્થ્ય ઉપર વ્યાપક અસરો થતાં કેન્સર, હ્રદયરોગ જેવી અસાધ્ય બિમારીઓનું પ્રમાણ સમાજમાં વધ્યું છે. મનુષ્યની સાથે પશુઓમાં પણ કેન્સર જેવા રોગ જોવા મળે છે. કમોસમી વરસાદ, ગ્લોબલ વોર્મિંગનું કારણ પણ રાસાયણિક ખાતર છે. જળવાયુ પરિવર્તનના પડકારો સામે ભારત વર્ષની જમીન, નાગરિકોનું આરોગ્ય, પાણી, પર્યાવરણ અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ જ બચાવી શકશે. પ્રાકૃતિક કૃષિએ ધાર્મિક ભાવ નહી, પરંતુ શુદ્ધ વિજ્ઞાન છે.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતોને ઓર્ગેનિક ( જૈવિક) ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો ભેદ સમજાવ્યો હતો. પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં જીવામૃત અને ઘનજીવામૃત દ્વારા જમીનમાં જીવાણું, અળસિયા અને મિત્ર જીવ અસંખ્ય સંખ્યામાં જોવા મળે છે. જેને કારણે જમીનના ઓર્ગેનિક કાર્બનમાં વધારો થાય છે અને જમીન ઉપજાઊ અને ફળદ્રુપ બને છે, એવું દ્રષ્ટાંતો સહિત સમજાવ્યું હતું.
રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્યભરમાં માસ્ટર ટ્રેઇનરો ગામડાઓમાં જઈને દેશી નસલની ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, જીવામૃત, ઘનજીવામૃત બનાવવા અંગે ખેડૂતોને તાલીમબદ્ધ કરી રહ્યા છે.
રાજ્યપાલશ્રીએ માનવતા અને જીવ કલ્યાણ માટે આરંભાયેલા પ્રાકૃતિક કૃષિ અભિયાનમાં સૌ ખેડૂતોને આધુનિક ટેકનોલોજીના વિનિયોગ સાથે જોડાઇ ધરતી માતા અને કૃષિપેદાશોને ઝેરમુક્ત બનાવવા હાકલ કરી હતી. ગુજરાત આજે તમામ ક્ષેત્રે આગળ વધી દેશને દિશા દર્શન કરી રહ્યું છે. ગુજરાત પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે શિરમોર બની દેશના ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટેનું પ્રેરક બનશે એવો વિશ્વાસ રાજ્યપાલશ્રીએ વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ અધ્યક્ષશ્રી મિનેશભાઈ શાહએ જણાવ્યું હતું કે ગ્રામવિસ્તારોમાં વૈજ્ઞાનિક ઢબે દૂધ-ઉત્પાદનમાં વધારો કરી ગ્રામીણ વિકાસને વેગવંતો બનાવવા માટે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ થકી પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ગાય – ભેંસ જેવા પશુઓમાં ઉચ્ચ ગુણવત્તા વાળી નસલો થકી ઉત્પાદન ક્ષમતા વધારી શકાય છે. આ સાથે ઘાસચારાના પણ ઉચ્ચ ગુણવત્તાવાળા બીજ ખેડૂતોને પહોંચાડવામાં આવી રહ્યા છે. “સહકારથી સમૃદ્ધિ તરફ” વાત સાચા અર્થે સાકાર થઈ રહી છે.
આ કાર્યક્રમમાં શેરડીની પ્રાકૃતિક ખેતી થકી તૈયાર કરવામાં આવેલ સાબર ડેરી ઉત્પાદિત ” અમૂલ ઓર્ગેનિક સુગર”નું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત જઈએ લોકાર્પણ કર્યુ હતું. આ સાથે રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેત પેદાશના સ્ટોલની મુલાકાત લીધી હતી.
આ કાર્યક્રમમાં અન્ન, નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રીશ્રી ભીખુસિંહજી પરમાર, હિંમતનગરના ધારાસભ્ય શ્રી વી.ડી.ઝાલા, ભિલોડા ધારાસભ્યશ્રી પી. સી. બરંડા, સહકારીતા અને પશુપાલન તથા ગૌ – સંવર્ધન વિભાગના સચિવશ્રી સંદીપકુમાર, રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ અધ્યક્ષશ્રી મિનેશભાઈ શાહ, જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સંધુ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડાશ્રી વિજય પટેલ, સાબર ડેરીના ચેરમેનશ્રી શામળભાઇ પટેલ, વિવિધ પદાધિકારીશ્રીઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.