(જી.એન.એસ) તા. 10
અમદાવાદ,
ફરી એકવાર અમદાવાદના મેમનગર વિસ્તારમાં બેફામ કારચલકે સવારે અનેક વાહનોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં આરોપીએ હવે પોતાની ભૂલ સ્વીકારી છે. તેણે કહ્યું કે મને ઘટનાનું ખુબજ દુઃખ છે.
આ અકસ્માતમાં 2 લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા, જેમણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોમાં 50 વર્ષીય મહિલા અને 70 વર્ષીય વૃદ્ધ હોવાનું હાલ જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્તોને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.
કારચાલક દારૂમાં નશામાં હોવાથી અકસ્માત સર્જ્યો હોવાનો સ્થાનિકોએ આરોપ કર્યો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કારચાલકની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, કારચાલકની ઓળખ ચિંતન પરીખ તરીકે થઈ છે. જ્યારે જે કારથી અકસ્માત સર્જ્યો તે કારનાં માલિકનું નામ હર્ષ પરીખ હોવાનું ખુલ્યું છે. પોલીસે CCTV ફૂટેજ અને આરોપીએ નશો કર્યો હતો કે કેમ ? તે માટે બ્લડ સેમ્પલ લેવા સહિતની કામગીરી હાથ ધરી છે.
આ સાથે આરોપીએ પોતાનો લુલો બચાવ કરતા કહ્યું કે એક સપ્તાહ પહેલાજ મારી માતાનું નિધન થયું હોવાથી હું આઘાતમાં હતો. અને મારા ભત્રીજાને સ્કૂલે મુકીને આવી રહ્યો હતો જે દરમ્યાન ભૂલથી બ્રેકને બદલે એક્સિલેટર પર પગ દબાઇ ગયો હતો. આરોપીએ કહ્યું કે આ ઘટનાનું મને ખુબજ દુખ છે.