મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે વહેલી સવારે વડોદરાના નવલખી મેદાન ખાતેથી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનની 12મી આવૃત્તિને ફ્લેગ-ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ મેરેથોનમાં જોડાયેલા દિવ્યાંગો, વરિષ્ઠ નાગરિકો સહિત 1 લાખથી વધારે નાગરિકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો.
આ અવસરે ઉપસ્થિત હજારો દોડવીરોએ માર્ગ સુરક્ષાના શપથ ગ્રહણ કર્યા હતા જેની વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડ લંડન દ્વારા નોંધ લેવામાં આવી હતી. આ વિશ્વવિક્રમનું પ્રમાણપત્ર મુખ્યમંત્રીશ્રીના હસ્તે અર્પણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ફિટ ઇન્ડિયા અભિયાનને યુવાનોએ ઉત્સાહભેર વધાવ્યું છે અને સમગ્ર દેશ સ્વાસ્થ્યભરી જીવનશૈલી પ્રત્યે જાગૃત થઇ રહ્યો છે. તેમણે નાગરિકોની સહભાગીદારિતા અને યથાયોગ્ય યોગદાન થકી દેશને 2047 સુધીમાં રમતગમત ક્ષેત્રે પણ સમૃદ્ધ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.