મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજના વસંતપંચમીના શુભ અવસરે વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમાર તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના પીપળીયા ગામે બરોડા પબ્લિક સ્કૂલ (BPS-CBSE)નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજ્યમાં શરૂ કરવામાં આવેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના કારણે શાળાઓમાં બાળકોનું સો ટકા નામાંકન થવા ઉપરાંત ડ્રોપ આઉટ રેશિયો ઘટીને બે ટકા જેટલો થયો છે તેમજ રાજ્યમાં શિક્ષણની ગુણવત્તામાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. તેમણે સૌને નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાના લાભ અંગે અવગત કરવાની સાથે આ યોજનાનો વધુને વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો તેમજ સૌના સહયોગથી વિકસિત ભારતના સંકલ્પને સાર્થક કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.