5 કિલો મફત રાશન પર નભતાં 80 કરોડને 12 લાખ સુધી ઈન્કમટેક્સમાંથી મુક્તિ !
[1] કુલ બજેટ ₹ 50.65 લાખ કરોડનું. આવતે વર્ષે જીડીપી થશે ₹ 330 લાખ કરોડ. એટલે કે બજેટ કહેવાય જીડીપીના માત્ર 15.38 ટકા. આનો અર્થ એ કે સરકારનું કદ બહુ જ ઓછું. લોકોને બજારના ભરોસે છોડી દેવાનો વધુ કે પ્રયાસ. દેશ વધુ મૂડીવાદી બનશે.
[2] શિક્ષણ મંત્રાલયનું ખર્ચ ₹ 1.29 લાખ કરોડ અને એકંદર શિક્ષણ ખર્ચ ₹ 2.12 લાખ કરોડ. એ જીડીપીના થાય 0.64 ટકા. એમાં તમામ પ્રકારના ખર્ચનો સમાવેશ થઈ જાય.શિક્ષણ નીતિ એમ કહે છે કે કેન્દ્ર સરકારે 2 ટકા ખર્ચ કરવાનું હોય કારણ કે રાજ્યો 4 ટકા ખર્ચ કરે જ છે. ખાનગીકરણ વધશે એ નક્કી છે.
[3] મનરેગા કાયદો કહે છે 100 દિવસની રોજગારી મળે. હાલ મળે છે 54 દિવસ. ખર્ચ ચાલુ વર્ષ જેટલું જ ₹ 86000 કરોડ અંદાજવામાં આવ્યું. ગામડાંની બેકારી દૂર નહિ થાય. શહેરોની બેકારી એમ જ રહેશે.
[4] આરોગ્ય માટેનું ખર્ચ પણ ₹ 89000 કરોડ પર સ્થિર. એમાં પણ ખાનગીકરણ વધશે. નીતિ કહે છે કે બજેટના 8 ટકા ખર્ચ કરવાનું. થાય છે બજેટના માત્ર 1.76 ટકા. ગરીબોએ બીમાર જ નહિ પડવાનું, સમજ્યા?
[5] અન્ન સબસિડીમાં સહેજ પણ વધારો નહિ. સસ્તું અનાજ જેટલાને મળે છે એટલાને જ મળશે. વસ્તી દોઢ કરોડ વધશે આવતા વર્ષે, પણ એ બધી ધનવાનો જ વધારવાના છે, ગરીબો નહિ ! અન્ન સબસિડીનો ખર્ચ ₹ 2.03 લાખ કરોડ થશે કે જે ચાલુ વર્ષના બજેટ અંદાજ કરતાં ₹ 2 હજાર કરોડ ઓછો અને સુધારેલા અંદાજ કરતાં માત્ર 6 હજાર કરોડ ₹ વધારે !
[6] ગ્રામ વિકાસ માટે ચાલુ વર્ષના બજેટમાં અંદાજ હતો ₹ 2.66 લાખ કરોડનો અને ખર્ચો થયો માત્ર ₹ 1.91 લાખ કરોડ. આમ, ₹ 75000 કરોડ ઓછા ! હવે આવતે વર્ષે અંદાજનો આંકડો ફરી એનો એ જ ! સ્પષ્ટ છે કે ગામડાંનો વિકાસ નથી કરવો કે જ્યાં વિશ્વગુરુ દેશની 70 ટકા વસ્તી હજુ પણ વસે છે !
[7] શહેરી વિકાસ માટે પણ અંદાજ હતો ચાલુ વર્ષે ₹ 83000 કરોડનો અને ખર્ચ થયો ₹ 64000 કરોડનો ! હવે અંદાજ આવતા વર્ષ માટે છે ₹ 97000 કરોડનો. જોરદાર વધારો. નરેન્દ્ર મોદીને શહેરો બહુ ગમે છે, વડનગર કરતાં મોટાં શહેરો !
[8] MSME-Micro, Small and Medium Enterprises માટે નિર્મલા સીતારામન બહુ બોલ્યાં બજેટ પ્રવચનમાં. ચાલુ વર્ષે તેમને માટે ₹ 22000 કરોડનો ખર્ચ અંદાજ્યો હતો, થયો ₹ 17000 કરોડનો. આવતા વર્ષ માટેનો અંદાજ ₹ 23000 કરોડનો ! દેશમાં 4 કરોડ MSME છે. એમાં 3.9 કરોડ તો સાવ જ નાનાં. હવે સીધી કેટલી સહાય તેમને મળશે એનો અંદાજ તમે જ માંડી લો.
[9] સામાજિક કલ્યાણ માટેનો ખર્ચ ચાલુ વર્ષે થયો ₹ 46000 કરોડ અને હવે આવતા વર્ષે થશે ₹ 60000 કરોડ. જે ગરીબોને જેટલી સહાય મળતી હતી તેટલી જ મળશે. કોઈ વધારો નહિ થાય. ફુગાવાની ચિંતા ના કરો.
[10] કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ ખેડૂતોને મળતી લોનની રકમ ₹ 3 લાખથી વધારીને ₹ 5 લાખ કરાઈ. તેનો લાભ 7.7 કરોડ ખેડૂતોને મળશે. પણ દેશમાં ખેડૂતો 15 કરોડ છે !
[11] ધનધાન્ય યોજના હેઠળ 1.7 કરોડ ખેડૂતોને સહાય અપાશે. પરંતુ એ તો દેશના માત્ર 8 ટકા જ છે ! અને 82 ટકા ખેડૂતો નાના અને સીમાંત ખેડૂતો છે કે જેમની પાસે 2 હેક્ટર કરતાં ઓછી જમીન છે.
[12] એક કરોડ ગિગ વર્કર્સને આરોગ્યનો લાભ મળશે જો તેઓ ઇશ્રમ પોર્ટલમાં નોંધાશે. સવાલ એ પણ છે કે તેઓ કે તેમના પરિવારમાં કોઈ બીમાર ન પડે તો તેમની આવક કેવી રીતે વધે?
[13] મેડિકલ કોલેજોમાં આવતે વર્ષે 10000 બેઠકો વધશે. આ એક સારી વાત છે. પણ આયુર્વેદિક કોલેજોનું શું? વળી, સવાલ એ પણ છે કે એ ખાનગી કોલેજોમાં વધશે કે સરકારી કોલેજોમાં? અને ફી કેટલી હશે એની તો કોઈ વાત જ નથી. આશ્ચર્યની બાબત એ છે કે 5 કિલો મફત રાશન પર નભતાં 80 કરોડને 12 લાખ સુધી ઈન્કમટેક્સમાંથી મુક્તિ આપી !rs [સૌજન્ય : પ્રો. હેમંતકુમાર શાહ, બજેટ દિન, 1 ફેબ્રુઆરી 2025.