*પારુલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ દેવાંશુ પટેલને હેમાંગ રાવલનો ખુલ્લો પત્ર*
સંસ્કારી નગરી ગણાતું વડોદરા, ગુજરાતનું ઘરેણું છે. કેટકેટલા સાહિત્યકારોનું ઘર છે. પ્રેમાનંદ, દયારામ, ભોળાનાથ દિવેટીયા, કરસનદાસ માણેક, ચન્દ્રકાન્ત ટોપીવાળા, ધીરૂબેન પટેલ, ખલીલ ધનતેજવી, સિતાંશુ યશશ્ચન્દ્ર અને અન્ય કેટલાય સિદ્ધહસ્ત સર્જકોએ સાચવ્યું છે વડોદરાને. આજે ગુજરાતી ભાષાને સાચવી રાખવા માટે અનેક સંસ્થાઓ – વ્યક્તિઓ ભગીરથ પ્રયાસ કરી રહી છે. રાજ્યના દરેક વિશ્વવિદ્યાલયો – શાળાઓ આ કામમાં સહકાર આપી રહી છે. નવી શિક્ષણ નીતિ મુજબ ગુજરાતી વિષયને શાળા – કૉલેજમાં ફરજિયાત કરવામાં આવ્યો છે.
જાણમાં આવ્યા મુજબ પારુલ યુનિવર્સિટી દ્વારા તારીખ ૨૭,૨૮,૨૯ જાન્યુઆરીના રોજ “વડોદરા લિટરેચર ફેસ્ટિવલ”નું આયોજન કરવામાં આવ્યું છે. સાહિત્યની ઉજવણી કરવાનો પ્રસંગ… યુનિવર્સિટી ગુજરાતની, નામ વડોદરા લિટરેચર ફેસ્ટિવલ શ્રોતાઓ મોટાભાગના ગુજરાતના અને વક્તાઓ ગુજરાત બહારના ! કેવો અદ્ભુત સંયોગ ! થીજી ગયા છે આપણી જનતાના લોહી. આપણાં બાળકોને ગુજરાતી ભાષાથી આપણે જ દૂર કરી રહ્યાં છે, યુવાનોને ગુજરાતી બોલવામાં શરમ આવે છે અને ખોટું અંગ્રેજી પણ ગર્વથી બોલે છે. આ જે મોટો ખાડો છે તે ભરવાનું કામ શૈક્ષણિક સંસ્થાઓનું છે. વિશ્વવિદ્યાલયોનું કામ ભાષાના સેતુ બનવાનું છે ત્યારે આવી યુનિવરસિટી યુવાનોને આપણી ભાષાથી દૂર કરી રહી છે. શું પારુલ યુનિવર્સીટીના સત્તાધીશોને ગુજરાતમાં કોઈ સમર્થ સાહિત્યકારો નથી મળ્યા? કે પછી તેમને લાગે છે કે ગુજરાત અને ગુજરાતીઓ સાહિત્ય ક્ષેત્રે કંઈ જ ઉકાળી શક્યા નથી ! આપણાં ગુજરાતના સાહિત્યકાર જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા પદ્મશ્રી રઘુવીર ચૌધરીને સાંભળવા – મળવા દેશવિદેશમાં લોકો આતુર હોય છે, તો વડોદરાના શ્રી સિતાંશુ યશશ્ચન્દ્રને કેમ કરી ભૂલાય? સાહિત્યકાર શ્રી માધવ રામાનુજ, સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી હર્ષદ ત્રિવેદી, સાહિત્ય અકાદમીના પ્રમુખ શ્રી ભાગ્યેશ ઝા, પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા, જય વસાવડા જેવા અનેકો અનેક નામો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગુજરાતી ભાષાનું ગૌરવ વધારી રહ્યા છે.
જ્યારે યુનિ.ને અલગ અલગ ગ્રેડ (NAAC A/A+/A++) લેવા હોય ત્યારે ગુજરાતની સંસ્કૃતિનો જ સાથ લે છે તો અત્યારે વડોદરા લિટરેચર ફેસ્ટિવલમાં ગુજરાત બાકાત કેમ? આની આગળ પણ આ જ રીતે કદાચ બે લિટરેચર ફેસ્ટિવલ કર્યા છે, તેમાં કેટલા ગુજરાતી સાહિત્યકારોને સ્થાન આપ્યું? ગુજરાતમાં રહીને ગુજરાતી સાથે ઓરમાયું વર્તન કરતી આ સંસ્થાને ગુજરાત સરકારે ધ્યાનમાં લેવી જોઈએ કેમ કે, આ મુદ્દો રાજકીય નહિ સામજિક છે.
આજે મારું લોહી ઉકળ્યું છે તેમ તમારું પણ લોહી ઉકળવું જોઈએ. એ ઉકળશે ત્યારે જ મારું, તમારું અને ભાષાનું કંઇક યથાર્થ થશે.ગુજરાતીને સ્થાન ન આપનારનું ગુજરાતમાં સ્થાન કેવી રીતે હોય? વિચારો, વિચાર કરો કે જ્યારે તમારું બાળક તમને પૂછશે કે, “મમ્મી/પપ્પા આ ગુજરાતી ભાષામાં સારું કંઈ લખાયું છે?” શું જવાબ આપશો? અને, હા આજના બાળકો તો સાબિતી પણ માંગતા હોય છે.
ક્યારે જાગશે આપણાં અંદરનો પેલો માણસ! ખરેખર, આપણી જીભ અને માંહ્યલામાં લાગી ગયેલા બબ્બે ઇંચના જાળાને તોડતા તોડતા કેટલીય સાવરણી ભાંગી જશે!
હકીકતમાં તો આ લિટરેચર ફેસ્ટિવલ ગુજરાતી ભાષા વિના ઇલીટ્રેટ ફેસ્ટિવલ બની રહેશે..
*હેમાંગ મહીપતરામ રાવલ*
9898233038