મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ કામગીરી અંતર્ગત ₹440 કરોડના ખર્ચે કાલુપુર અને સારંગપુર રેલવે ઓવરબ્રિજને ફોર-લેન સહિતના કામો માટે રાજ્ય સરકારના 50 ટકા શેર તરીકે ₹220 કરોડ ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.
આ ઉપરાંત, રાધનપુર-ભિલોટ-સુઈગામને જોડતા માર્ગ પર હયાત રેલવે ક્રોસિંગ પર નવો ઓવરબ્રિજ બનાવવા માટે ₹52.83 કરોડ ફાળવ્યા છે.
મુખ્યમંત્રીશ્રી દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મંજૂર કરવામાં આવેલ કુલ ₹272.75 કરોડની નાણાકીય સહાયથી આ ત્રણેય બ્રિજ પર ટ્રાફિકનું ભારણ ઘટશે અને સમય અને ઇંધણની બચત થવાથી નાગરિકોના ઈઝ ઓફ લિવિંગમાં વધારો થશે.