માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુયલ ઉપસ્થિતિમાં તેમના અધ્યક્ષસ્થાને આજે દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 65 લાખ જેટલા લોકોને સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે અન્વયે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી જે. પી. નડ્ડા તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે રાજ્યકક્ષાનો સ્વામિત્વ કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
માનનીય વડાપ્રધાનશ્રીએ સ્વામિત્વ યોજના હેઠળ વિવિધ રાજ્યના લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો તેમજ આજના દિવસને દેશના ગામડાઓ અને ગ્રામીણ અર્થતંત્ર માટે ઐતિહાસિક ગણાવતા આ યોજનાના ઉદેશ્ય, સફળતા અને ગ્રામીણ જીવનમાં થયેલ પ્રગતિ અંગે પ્રેરક સંબોધન કર્યું હતું. તેમણે ગ્રામ્ય સ્વરાજના સંકલ્પ સાથે ગ્રામ વિકાસનું સુદ્રઢ આયોજન અને અમલીકરણ ગામડાઓ આર્થિક સક્ષમ બનાવવા માટે સ્વામિત્વ યોજનાને મહત્વપૂર્ણ ગણાવી હતી.
મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોના વરદ્હસ્તે આ અવસરે સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓમાં પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યભરના 415 ગામોના 64,000થી વધુ લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ પ્રાપ્ત થયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી લેન્ડ સર્વે અને મેપિંગ દ્વારા ગામડાઓમાં જમીન સાથે સંકળાયેલ વિવાદો, તકરારો, માલિકી હકના પ્રશ્નોનો ઉકેલ આપ્યો છે. તેમણે આ યોજના હેઠળ રાજ્યમાં આપવામાં આવેલ પ્રોપર્ટી કાર્ડ અને તેનાથી ગ્રામીણ જનજીવનમાં થયેલ આમૂલ પરિવર્તનની રૂપરેખા આપી હતી.
સ્વામિત્વ યોજનાને ગ્રામજનોના સુરક્ષિત જીવન તેમજ ગામની અર્થવ્યવસ્થા અને આયોજનબદ્ધ વિકાસ દ્વારા ગ્રામીણ ભારત માટેની ગેમ ચેન્જર યોજના ગણાવતા મુખ્યમંત્રીશ્રીએ આજે મળેલ પ્રોપર્ટી કાર્ડથી ગ્રામીણ નાગરિકોને સાચુ સ્વામિત્વ અને આત્મનિર્ભરતા મળશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
માનનીય રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવો દ્વારા કાર્યક્રમના અંતે સ્વચ્છતા જાળવવા તેમજ નશા મુક્તિ દ્વારા સમરસ સમાજનું નિર્માણ કરવા હેતુ સામૂહિક શપથ લેવામાં આવ્યા હતા તેમજ માનનીય વડાપ્રધાનશ્રી પ્રેરિત ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.