(જી.એન.એસ) તા.૧૦
મોરબી,
મોરબી જિલ્લામાં વધુ ત્રણ વ્યક્તિનાં અપમૃત્યુથી અરેરાટી પ્રસરી ગઇ છે. જેમાં સાઢુભાઇને આઇસ્ક્રીમ લાવવાનું કહ્યા બાદ યુવાનને હાર્ટએટેક આવી જતાં મોત નીપજ્યું હતું. જ્યારે ઘૂટું ગામે બોરમિલ મશીનમાં ફસડાઇ પડતા અને રાતાવીરડા ગામે લેબર ક્વાર્ટર પરથી પડી જતાં યુવકનાં મોત નીપજ્યા હતા. તલાવીયા શનાળા ગામના રહેવાસી ભરતભાઈ મગનભાઈ કગથરા નામના યુવાને ગઇકાલે સવારે પોણા અગિયાર વાગ્યે પોતાના સાઢુભાઈ હરખાભાઇને આઈસ્ક્રીમ લાને આવવા કહ્યું હતું. જેથી હરખાભાઇ આઈસ્ક્રીમ લઈને આવ્યા હતા. એ સમયે ભરતભાઈ કગથરા પોતાના રૃમમાં સુતા હતા. જેને જગાડતા તેઓ જાગ્યા ના હોવાથી રીક્ષામાં ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને મરણ ગયેલ જાહેર કર્યા હતા. મોરબી તાલુકાના ઘૂટું ગામ નજીક આવેલ રોલટાસ પેપર એલએલપી કારખાનામાં કામ કરતા પવનકુમાર મહેશપ્રસાદ નામના યુવાન કામ કરતી વખતે બોરમિલ મશીનમાં આવી જતા મોત થયું હતું. મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મૂળ એમપીના વતની અને હાલ વાંકાનેર તાલુકાના રાતાવીરડા નજીક આવેલ સ્પેકોન કારખાનામાં રહીને મજુરી કરતા મહેન્દ્રસિંહ પ્રેમલાલસિંહ નામના યુવાન લેબર ક્વાર્ટરના પહેલા માળે પાળી પરથી અકસ્માતે પડી જતા માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું. વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.