(જી.એન.એસ) તા. 8
પંચમહાલ,
વર્ષ 2002ના ગોધરા સાબરમતી હત્યાકાંડના જુવેનાઈલ આરોપીઓને લઈને કોર્ટે ચુકાદો આપ્યો છે. ગોધરા જુવેનાઈલ કોર્ટ દ્વારા કુલ 5 આરોપીઓ માટે ચુકાદો આપવામાં આવ્યો છે અને કુલ 5 આરોપી પૈકી 2 આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે અન્ય 3 આરોપીને ત્રણ વર્ષ સેફટી હોમમાં રાખવાની સજા ફટકારવામાં આવી છે.
કોર્ટના ચુકાદા બાદ આરોપીઓને આપવામાં આવેલી સજા મામલે આરોપી પક્ષના વકીલે જણાવ્યું કે આ ચુકાદો ઉપરની કોર્ટમાં પડકારવામાં આવશે. જુવેનાઈલ આરોપીઓ સાબરમતી હત્યાકાંડના ગુનાના કામમાં સંડોવાયેલા હતા. તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2023માં ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે ગોધરાકાંડ વખતે ટ્રેન સળગાવનાર 11 આરોપીઓને મૃત્યુદંડની સજા કરવા કોર્ટ સમક્ષ માગણી કરાશે. 2002માં ગોધરા કાંડ વખતે ટ્રેન સળગાવનાર અને 59 પ્રવાસીઓની હત્યા કરનાર 11 આરોપીઓની સજાને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજીવન કારાવાસમાં બદલવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ પી. એસ. નરસિંહા તેમજ જસ્ટિસ જે. બી. પારડીવાલાની બેન્ચે આ કેસમાં કેટલાક આરોપીઓની જામીન અરજીની સુનાવણી માટે 3 અઠવાડિયા પછીની તારીખ નક્કી કરી હતી. બેન્ચે બંને પક્ષના વકીલોને આ માટે એક સંયુક્ત ચાર્ટ રજૂ કરવા કહ્યું હતું, જેમાં કરવામાં આવેલી વાસ્તવિક સજા તેમજ આરોપીઓએ જેલમાં ગાળેલો સમયગાળો જેવી વિગતો દર્શાવવા તાકીદ કરાઈ હતી. આ કેસમાં હાઈકોર્ટે 31 લોકોને દોષિત ઠરાવ્યા હતા તેમની સજાને કાયમ રાખી હતી. જો કે 11 આરોપીઓની ફાંસીની સજાને આજીવન કારાવાસમાં ફેરવી હતી.
આ કેસ બાબતે સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, મહિલાઓ તેમજ બાળકો સહિત 59 લોકોને ટ્રેનની બોગીમાં જીવતા સળગાવનાર 11 આરોપીઓની મોતની સજાને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજીવન કેદમાં બદલવામાં આવી હતી પણ અમે તેમને મૃત્યુદંડની સજા થાય તે માટે ગંભીર છીએ. આ રેરેસ્ટ ઓફ રેર કેસ છે. તમામ સ્તરે એ પુરવાર થયું છે કે ઘટના વખતે ટ્રેનની બોગીને બહારથી લૉક કરવામાં આવી હતી જેમાં આગ લગાડવામાં આવતા 59 લોકો જીવતા સળગી ગયા હતા. આ કેસમાં નીચલી કોર્ટે 11 આરોપીઓને મોતની એટલે કે ફાંસીની સજા ફટકારી હતી, જ્યારે અન્ય 20ને આજીવન કેદની સજા કરાઈ હતી.