કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ એક મોટા ચહેરાને સાથે લેવા જઈ રહી છે. એવા સમાચાર છે કે કન્નડ ફિલ્મ સ્ટાર કિચ્ચા સુદીપ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. આજે તેઓ બીજેપીના સ્ટેટ હેડક્વાર્ટર પહોંચી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કિચ્ચા સુદીપ કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈની હાજરીમાં પાર્ટીમાં સામેલ થઈ શકે છે. દરમિયાન, એવી પણ જાહેરાત કરવામાં આવશે કે સુદીપ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના સૌથી મોટા સમર્થક અને સ્ટાર પ્રચારક હશે.
કિચ્ચા સુદીપના ભાજપમાં જોડાવાનો અર્થ શું છે?
તેમાં કોઈ શંકા નથી કે કિચ્ચા સુદીપ આજે કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સૌથી મોટો સ્ટાર છે. તેની મોટી ફેન ફોલોઈંગ છે. કન્નડ ઉપરાંત સુદીપે હિન્દી અને દક્ષિણની અલગ-અલગ ભાષાઓની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. નોંધનીય છે કે સુદીપ નાયક જાતિના છે અને કલ્યાણ કર્ણાટક વિભાગમાં આ જાતિનું વર્ચસ્વ છે. પરંપરાગત રીતે, કોંગ્રેસ અહીં મજબૂત રહી છે અને ભાજપ આ વિભાગ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને સમગ્ર કર્ણાટકમાં કિચ્ચા સુદીપની લોકપ્રિયતાનો રાજકીય લાભ લેવા માંગે છે.
ચૂંટણીમાં બનશે ભાજપના સ્ટાર પ્રચારક
માહિતી અનુસાર, ભાજપમાં જોડાયા બાદ કિચ્ચા સુદીપને ચૂંટણી માટે પાર્ટીના સ્ટાર પ્રચારકોની યાદીમાં પણ સામેલ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે કિચ્છા સુદીપ માત્ર સાઉથ ફિલ્મોનો જ નહીં પરંતુ હિન્દી ફિલ્મોનો પણ લોકપ્રિય ચહેરો છે. સુદીપે બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ ‘ફૂંક’થી કરી હતી. કિચ્ચા સુદીપ સલમાન ખાનની ફિલ્મ દબંગ 2માં પણ વિલન તરીકે જોવા મળ્યો હતો.
કર્ણાટકમાં 10 મેના રોજ ચૂંટણી
ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં 10 મેના રોજ એક જ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો 13 મેના રોજ જાહેર થશે. હાલમાં કર્ણાટકમાં ભાજપની સરકાર છે અને તે સત્તામાં રહેવા માટે તમામ પ્રયાસ કરી રહી છે.