



સુરત સહિત રાજ્યભરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ, માવઠું અને કરા પડ્યા છે. ત્યારે સુરતના માંગરોળ તાલુકા વિસ્તારમાં પણ કરા પડ્યાના સમાચાર સામે આવ્યા છે. કરા સાથે ભારે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પરંતુ, બીજી તરફ કમોસમી વરસાદના કારણે ઊભા પાકને નુકસાન થતા ખેડૂતોમાં ચિંતાના વાળદ ઘેરાયા છે.
માહિતી મુજબ, બુધવારે સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સામાન્ય રીતે માર્ચ મહિનાથી ગરમી પડવાની શરૂઆત થતી હોય છે, પરંતુ આ વર્ષે માર્ચમાં કમોસમી વરસાદ થતા ખેડૂતોના ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે. ઉનાળાની શરૂઆત થવાને બદલે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. બુધવારે મોડી રાતે સુરતના માંગરોળ તાલુકામાં વિવિધ વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક તો પસરી છે પરંતુ, બીજી તરફ ખેડૂતોના ઊભા પાકને નુકસાનની ભીતિ છે. કરા સાથે વરસાદનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ખેડૂતોને આર્થિક વળતર આપવા માગ
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, માર્ચ મહિનામાં કરા સાથે કમોસમી વરસાદના કારણે બાગાયતી પાકોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. બુધવારે થયેલા કમોસમી વરસાદના કારણે સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરના ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. ખાસ કરીને કેરીના પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ છે. આથી રાજ્ય સરકાર દ્વારા આર્થિક સંકટનો સામનો કરી રહેલા ખેડૂતોને યોગ્ય આર્થિક વળતર આપવામાં આવે તેવી માગ ઊઠી રહી છે.