(જી.એન.એસ) તા.૧૧
ગાંધીનગર,
હાલમાં સાયબર ગઠિયાઓ દ્વારા લોકોને ડિજિટલ એરેસ્ટ કરીને પોલીસ કે અન્ય કોઈ એજન્સીની ઓળખ આપી રૃપિયા પડાવી રહ્યા છે ત્યારે સરગાસણમાં રહેતા દંપતીને પણ ૨૦૦ કરોડના મનીલોન્ડરિંગ કેસમાં ૫૬ એફઆઇઆર નોંધાવી હોવાનું કહી ડિજિટલ એરેસ્ટ કરીને સાયબર ગઠિયાઓએ અઢી લાખ રૃપિયા પડાવી લીધા છે. જે સંદર્ભે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં હાલ ડિજિટલ એરેસ્ટના કિસ્સા વધી રહ્યા છે ત્યારે આ વખતે ગાંધીનગરના સરગાસણમાં રહેતું દંપતી ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યું છે. અહીં સ્વાગત ક્વીન્સલેન્ડ વસાહતમાં રહેતા અને ઇન્ફોસિટીની કંપનીમાં પ્રોજેક્ટ લીડ તરીકે કાર્યરત વિજયભાઈ વિશ્વકર્મા અને તેમના પત્ની રેખાબેનને સાયબર ગઠિયાઓએ ૨૪ કલાક સુધી ફોન પર ધમકાવીને અઢી લાખ રૃપિયા પડાવ્યા છે. જે અંગે મળતી વિગતો પ્રમાણે ગત ૩ જાન્યુઆરીએ સાંજે અજાણ્યા નંબરથી ફોન આવ્યા બાદ સાયબર ગઠિયાઓએ દંપતીના મોબાઈલ હેક કર્યા હતા. ત્યારબાદ તેમને દિલ્હી પોલીસના નામે વોટ્સએપ વીડિયો કોલ કરી, તેમના નામે ૨૦૦ કરોડના મની લોન્ડરિંગ કેસમાં ૫૬ એફઆઇઆર નોંધાઈ હોવાની ખોટી માહિતી આપી હતી. પોલીસ અધિકારી, રાજકારણી અને બેંક કર્મચારીઓની સંડોવણી હોવાનું જણાવી દંપતીને ૨૪ કલાક સુધી ફોન પર જ રાખ્યા હતા. રાત્રે સૂતી વખતે પણ ફોન અને લાઈટ ચાલુ રાખવાની ફરજ પાડી હતી. ગભરાયેલા દંપતીએ તેમની બેંક એકાઉન્ટની વિગતો આપી દેતા ગઠિયાઓએ અઢી લાખ રૃપિયા ઉપાડી લીધા હતા. બાદમાં અન્ય એક એક નંબર પરથી વીડિયો કોલ કરીને ૨.૫૦ લાખ આરબીઆઈના ગાઈડ લાઈન મુજબ એક બેંકમાં ભરવાની સૂચના અપાઈ હતી અને કહેવાયું હતું કે, આ રૃપિયાની ઇન્કવાયરી થયા બાદ આગળ વધુ તપાસ થશે. આથી મળેલી સૂચના મુજબ અઢી લાખ આરટીજીએસ કરવા માટે ઈન્ફોસિટી ખાતેની બેંક ઓફ ઈન્ડિયામાં ગયા હતા અને બેંક ઓફ મહારાષ્ટ્રના મયંક ભારતી ગોસ્વામીનાં એકાઉન્ટમાં પૈસા ભર્યા હતા. જોકે શંકા જતા તેમણે વોટ્સએપ કોલના સ્ક્રીનશોટ લેવાના પ્રયાસ કર્યા હતા પરંતુ મેસેજ ડીલીટ થવા માંડયા હતા આખરે આ અંગે ઇન્ફોરિટી પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.