



રાહુલ ગાંધી યુકેના પ્રવાસે ગયા અને દરમિયાન ચર્ચાઓમાં રહ્યા, જેનું કારણ એ હતું કે રાહુલ ગાંધીએ વિદેશની ધરતી પર ખુલ્લેઆમ કેન્દ્ર સરકાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરએસએસ પર પ્રહારો કર્યા. ભાજપ આ નિવેદનો અંગે કહી રહી છે કે રાહુલ ગાંધી વિદેશમાં દેશનું અપમાન કરી રહ્યા છે. તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ ગુરુવારે ભોપાલમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું.
તમારે જે કહેવું હોય તે દેશની જનતા વચ્ચે બોલો: સીએમ શિવરાજ
શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, “મને કોંગ્રેસના નેતૃત્વ પર અફસોસ થાય છે. તેઓ વિદેશમાં જઈને વાતો કરી રહ્યા છે. દેશમાં કોઈ સાંભળતું નથી. આવી બાલિશ વાતો કે દેશનું માથું શરમથી ઝુકી ગયું છે.” ભાજપ સહિત કોંગ્રેસના તમામ વિરોધીઓને રાહુલ ગાંધીનું નિવેદન એટલા માટે ખોટું લાગે છે કારણ કે તેઓ આ વાતો દેશમાં નહીં પરંતુ વિદેશમાં કહી રહ્યા છે. શિવરાજે કહ્યું, “ત્યાં જઈને બાળકની જેમ રડી રહ્યા છે કે અમને આ કરવા દેવામાં નથી આવતું. જે કહેવું હોય એ તમે દેશના લોકો વચ્ચે બોલો.”
2014ની વોશિંગ્ટન મુલાકાત વિશે શિવરાજે શું કહ્યું?
સીએમ શિવરાજ સિંહ ચૌહાણે પત્રકારોને તેમની 2014ની અમેરિકા મુલાકાત વિશે જણાવતા કહ્યું કે, “જયારે હું 2014 પહેલા વિદેશ ગયો હતો ત્યારે મનમોહન સિંહ વડાપ્રધાન હતા. વોશિંગ્ટનના પત્રકારોએ મને પૂછ્યું કે તમારા વડાપ્રધાન અન્ડર અચીવર છે, તો મારો જવાબ છે કે ભારતના વડાપ્રધાન ક્યારેય અંડર અચીવર ન હોઈ શકે, તેઓ કોંગ્રેસના નહીં ભારતના વડાપ્રધાન છે.” મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વધુમાં કહ્યું કે, “હવે વિદેશમાં જઈને આ રીતે રડવું એ કોંગ્રેસ નેતૃત્વની હારેલી, હતાશ અને નિરાશાજનક માનસિકતા છે, તેને દર્શાવે છે.”