વિમેન્સ પ્રીમિયર લીગમાં અત્યાર સુધીમાં કુલ 6 મેચ રમાઈ છે. તેમાંથી ગુજરાત જાયન્ટ્સની ટીમ કુલ ત્રણ મેચ રમી છે. ગુજરાત જાયન્ટ્સને તેની પ્રથમ બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. અને બુધવારે રમાયેલી મેચમાં તેણે આરસીબી સામે જીત મેળવી હતી. દરમિયાન ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો પડ્યો છે. ટીમની કેપ્ટન બેથ મૂની કાફ ઇન્જરીને કારણે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. આ સિઝનમાં બેથ મૂની ટીમની કેપ્ટન હતી. પરંતુ તેની ઈજાના કારણે હવે સ્નેહ રાણાને ટીમની કેપ્ટન બનાવવામાં આવી છે.
બહાર થવા પર શું બોલી મૂની
ડીવાય પાટિલ સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામેની શ્રેણીની પ્રથમ મેચમાં બેટિંગ કરતી વખતે ઓસ્ટ્રેલિયન ખેલાડી બેથ મૂનીને ઈજા થઈ હતી. મૂની ચારથી છ અઠવાડિયામાં સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે. આવી સ્થિતિમાં તે આ આખી સિઝન રમી શકશે નહીં. મૂનીએ કહ્યું કે તે ખરેખર ગુજરાત જાયન્ટ્સ સાથે રમવા માટે પ્રથમ WPL સિઝનની રાહ જોઈ રહી હતી પરંતુ કમનસીબે ઈજાઓ રમતનો એક ભાગ છે અને આ શ્રેણીની બાકીની મેચોમાંથી બહાર થવાથી તે નિરાશ છે. તેણે એમ પણ કહ્યું કે તે તેની ટીમને બહારથી સપોર્ટ કરશે અને તેના ખેલાડીઓને ઉત્સાહિત કરશે.
ગુજરાત જાયન્ટ્સની ટીમે મૂનીની કમીને પૂરી કરવા દક્ષિણ આફ્રિકાની લૌરા વોલ્વાર્ડને પોતાની ટીમમાં સામેલ કરી છે. લૌરા વોલ્વાર્ડે તાજેતરમાં રમાયેલા મહિલા T20 વર્લ્ડ કપમાં તેના શાનદાર પ્રદર્શનના આધારે પોતાની ટીમને ફાઇનલમાં લઈ જવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. લૌરા વોલ્વાર્ડે વર્લ્ડ કપમાં રમાયેલી છ મેચોમાં ત્રણ અડધી સદી ફટકારી હતી. આ દરમિયાન તે ટોપ સ્કોરર પણ રહી હતી. આવી સ્થિતિમાં તેના ટીમમાં સામેલ થવાથી ગુજરાત જાયન્ટ્સને ફાયદો થશે. તે હજુ પણ સારા ફોર્મમાં છે.
આગામી મેચો ગુજરાત માટે ઘણી મહત્ત્વની
ભારતની સ્નેહ રાણા હવે કેપ્ટન હશે જ્યારે ઓસ્ટ્રેલિયાની એશ્લે ગાર્ડનરને વાઇસ કેપ્ટન બનાવવામાં આવી છે. ગુજરાત જાયન્ટ્સ આગામી 11 માર્ચે ડીવાય પાટિલ સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. ગુજરાતની ટીમ માટે ટુર્નામેન્ટમાં આગળની તમામ મેચો ખૂબ મહત્ત્વની હશે કારણ કે તેને પોતાની પ્રથમ બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાતની ટીમ હાલમાં ત્રણ મેચમાં 2 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલ પર ચોથા સ્થાને છે.