સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ દ્વારા સૌ પ્રથમ વખત જિલ્લાના પ્રીન્ટ અને ઈલેકટ્રોનીક મીડિયાના પત્રકારો સાથે સીધા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના પત્રકારોએ ઝાલાવાડ અને સુરેન્દ્રનગર શહેરની પ્રાથમીક સમસ્યાઓ અને માંગ રજુ કરી હતી. જેના ઉપર આગામી સમયમાં યોગ્ય નીર્ણય કરવાની ખાત્રી આપી હતી.
…આ અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં રહેલી સમસ્યાઓનો પત્રકારો અરીસો છે. સરકારી તંત્રના સુધી પહોંચી લોકોને પડતી સમસ્યાઓ ઉજાગર કરે છે. ત્યારે, દેશની ચોથી જાગીર એવા પત્રકારો સાથે સીધા સંવાદનું સૌ પ્રથમવાર આયોજન સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ દ્વારા શહેરના નવા સરકીટ હાઉસ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના સહ પ્રવકતા ડૉ. ઋત્વીજ પટેલ, સૌરાષ્ટ્ર મીડીયા ઝોનના કન્વીનર સુરેશભાઈ માંગુકીયા,જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા, પ્રદેશ ભાજપ મીડીયા સેલ સદસ્ય સુરેશભાઈ પરમાર, શહેર ભાજપ મહામંત્રી હાર્દીકભાઈ ટમાલીયા, સુરેન્દ્રનગર શહેર ભાજપ કીસાન મોરચાના પ્રમુખ વિપુલ ચૌહાણ સહીતનાઓ હાજર રહ્યા હતા. આ તકે જિલ્લાના પ્રીન્ટ અને ઈલેકટ્રોનીક મીડિયાના પત્રકારોને શહેર અને જિલ્લાની સમસ્યાઓ વિશે પુછવામાં આવ્યુ હતુ. જેમાં પત્રકારોએ શહેરમાં રખડતા ઢોરની સમસ્યા, સુરેન્દ્રનગર શહેર ફરતે બાયપાસ રસ્તો કરવાની, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ અને પરસોતમભાઈ સાબરિયા દ્વારા મીડિયા કર્મીઓના ફોન રીસિવ ન કરવા, ગેરકાયદેસર ખનીજ ચોરી, ભ્રષ્ટાચાર સહિતના પ્રશ્નો અંગે રજૂઆતો કરવામાં આવી હતી.
…આ ઉપરાંત જિલ્લાના ખેડૂતોને નર્મદા કેનાલમાંથી સીંચાઈ માટે પાણી મળે તેવી વ્યવસ્થા કરવા પણ ચર્ચા કરાઈ હતી. ભાજપના હોદ્દેદારોએ પત્રકારોની વાત સાંભળી આ અંગે યોગ્ય નીર્ણય કરવાની ખાત્રી આપી હતી.
