દેશ અને રાજ્યમાં હવે દિવસેને દિવસે ખેડૂતો ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે અને ટેકનોલોજીનો સદુપયોગ કરીને ટેકનોલોજીનો લાભ લેતા થઈ ગયા છે .અરવલ્લી જીલ્લામાં પણ હવે ખેડૂતો આધુનિકીકરણ ખેતી કરવા માટે અપનાવી રહ્યા છે.માલપુર તાલુકામાં પ્રગતિશીલ ખેડૂતોએ ડ્રોનની મદદથી તડબૂચની ખેતરોમાં દવા છાંટવાનું શરૂ કર્યું છે. જેનાથી તેઓને મજૂરી ખર્ચની સાથે સાથે સમય અને પાણીનો પણ બચાવ થાય છે.
માલપુર તાલુકામાં ખેડૂતોએ સિઝનલ તડબૂચનું વાવેતર કર્યું છે. તડબૂચના પાકમાં જીવાત અને ફૂગનો રોગ આવવાની સંભાવના રહેતી હોય છે ત્યારે કોઈપણ પ્રકારનો રોગ કે જીવાત ના આવે તે માટે રાસાયણિક દવાનો છંટકાવ કરવો જરૂરી છે. તે સંદર્ભે માલપુરના ખેડૂતોએ તડબૂચની ખેતીમાં આવતા ઉપદ્રવને નાથવા માટે ડ્રોન ટેક્નોલોજી અપનાવી છે. ડ્રોન દ્વારા રાસાયણિક દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
સામાન્ય રીતે ખેડૂતો હાથથી કે પંપ દ્વારા જાતે દવાનો છંટકાવ કરે છે. એક વીઘા જમીનમાં દવાના છંટકાવ માટે આખો દિવસ જાય છે. જ્યારે ડ્રોન ટેકનોલોજીથી માત્ર 20 મિનિટમાં એક વીઘા જમીનમાં દવાનો સારી રીતે છંટકાવ થઈ શકે છે. ખેતીને ક્યાંય નુકસાન ના થાય એ રીતે ડ્રોન દ્વારા દવા છાંટવામાં આવે છે. જેથી રોગ અને જીવાતના ઉપદ્રવ ને સરળતાથી નાથી શકાય છે. માલપુરના ખેડૂતોને ડ્રોન ટેક્નોલોજી દ્વારા દવાના છંટકાવથી સારું ઉત્પાદન મળવાની આશા છે.