કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પોતાનો જન્મદિવસ મનાવવા રાજસ્થાન પહોંચી ગયા છે. જયપુરથી સોનિયા ગાંધી સવાઈ માધોપુર ગયા જ્યાં તેઓ રણથંભોરના શેરગઢ રિસોર્ટમાં રોકાશે. તેમની પુત્રી અને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પણ રોડ માર્ગે રણથંભોર પહોંચી ગયા છે.
જ્યારે રાહુલ ગાંધી પણ ભારત જોડો યાત્રામાંથી વિરામ લેશે અને સોનિયા ગાંધી સાથે એક દિવસ માટે તેમનો જન્મદિવસ ઉજવશે. લોકસભામાં કોંગ્રેસના સભ્યો અપેક્ષા રાખતા હતા કે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી શુક્રવારે સંસદમાં પક્ષના સાંસદોની બેઠકની અધ્યક્ષતા કરશે અને કેટલાક સાંસદોને સંદેશ પણ મોકલવામાં આવ્યો હતો કે તેઓ બેઠકમાં હાજરી આપી શકે છે પરંતુ છેલ્લી ઘડીએ આ બદલાવ થયો છે.
સંસદ ચાલુ, સોનિયા પરિવાર સહિત રાજસ્થાનમાં
સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. દરમિયાન, કોંગ્રેસે સત્ર દરમિયાન અનેક મુદ્દાઓ પર ચર્ચાની યોજના બનાવી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ છે. તેઓ શુક્રવારે સત્ર પહેલા પાર્ટીના સાંસદોની બેઠકમાં ભાગ લેવાના હતા પરંતુ હાલ તેઓ રાજસ્થાનમાં છે. સોનિયા ગાંધીનો શુક્રવારે (9 ડિસેમ્બર) જન્મદિવસ છે.
તેઓ રાજસ્થાનના રણથંભોરના સવાઈમાધોપુરના શેરગઢ રિસોર્ટમાં પોતાનો જન્મદિવસ ઉજવશે. આ દરમિયાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે રહેશે. રાહુલ ગાંધી પણ ભારત જોડો યાત્રાના કારણે સંસદના શિયાળુ સત્રમાં પહોંચી રહ્યા નથી.
પીએમ મોદી સહિત અન્ય નેતાઓએ આપી શુભેચ્છા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોનિયા ગાંધીને જન્મદિવસની શુભેચ્છા આપતા ટ્વિટ કર્યું છે. જેમાં વડાપ્રધાન મોદીએ લખ્યું કે “સોનિયા ગાંધીને જન્મદિવસની શુભેચ્છાઓ, હું તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરું છું.”