સાઈબર ક્રાઈમના વિવિધ પ્રકારના ગુનાના વધતા જતા પ્રમાણને ધ્યાને લઈને પોલીસે હવે નાગરિકોને પણ આ કામમાં સામેલ કરી સાયબર ક્રાઈમને લગતી માહિતી પૂરી પાડવામાં આવે તો ગુનાના પ્રકાર અનુસાર લોકોને રોકડ પુરસ્કાર આપવાની યોજના અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે.
સાઈબર ક્રાઈમ આજના સમયમાં સૌથી વધુ ઝડપથી વધી રહેલી ગુનાખોરીમાં સામેલ છે. મોટાભાગના નાગરિકો ખરીદી કે નાણાકીય વ્યવહાર ઓનલાઈન કરતા હોઈ સાઈબર માફીયા તેનો લાભ લઈને લોકો સાથે નાણાકીય છેતરપિંડી કરે છે. બીજી બાજુ ચાઈલ્ડ પોર્નોગ્રાફી કન્ટેન્ટનો ફેલાવો, કોલ સેન્ટર હેકિંગ કરી ખંડણીના ગંભીર ગુના દિનપ્રતિદિન વધી રહ્યા છે. પહેલાંના સમયમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ સ્થાનિક લેવલે બાતમીદારોનું નેટવર્ક ઉભું કરતી, જેની બાતમીના આધારે કામગીરી સરળ બની રહેતી અને ગુનેગારો સુધી પોલીસ ઝડપથી પહોંચી શકી હતી.
સાઈબર માફીયાને પકડવા એટલા સરળ નથી કેમકે આ વર્ચ્યુઅલ નેટવર્કમાં કોણ ક્યાંથી શું કરે છે? તેની બાતમી મળવી મુશ્કેલ છે. આ દિશામાં કોઈ એવી કામગીરી કરતું હોય તો તેની બાતમી મળે તો પોલીસ કામગીરી કરી શકે તેવા આશયથી અમદાવાદ પોલીસે સાઈબર ક્રાઈમની બાતમી નાગરિકો આપે તો રોકડ પુરસ્કાર આપવાની ઘોષણા કરી છે.
