રાજકોટમાં લૂખાઓનો ત્રાસ વધતો જઈ રહ્યો છે. રાજકોટમાં ગોંડલ રોડ પર યુવકને પૈસાની લેતી દેતી બાબતે કારમાં સવાર કેટલાક શખ્સોએ તલવાર, છરી, બંદૂક, ધોકા-પાઇપ વડે મારમાર્યો હતો. મોડી રાતે આ બનાવ બનતા યુવક ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો જેથી તેને રાજકોટની સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. રાજકોટ શહેરમાં ગોંડલ રોડ પર દોશી હોસ્પિટલ પાસે એક યુવક પર ઘાતક હુમલો થતા ચકચાર મચી ગઇ છે. રૂપિયાની લેતી દેતીમાં સમગ્ર પ્રકરણ બન્યું હોવાનું અનુમાન છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલે મોડી રાત્રે 2 વાગ્યે રામ નારાયણ લાવડીયા (ઉ.વ.36)ને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત હાલતમાં ખસેડાયો હતો. જ્યાં તેણે પોલીસને માહિતી આપી હતી કે, તે ગોંડલ રોડ પર શિવનગર શેરી નં.11માં રહે છે. રાત્રે 1 વાગ્યે તે ઘર પાસે હતો ત્યારે કારમાં આવેલા હરપાલસિંહ જાડેજા અને અન્ય અજાણ્યા શખ્સોએ તેની સાથે ઝઘડો કરી માર માર્યો હતો. આ અંગે મળતી વધુ વિગત મુજબ આરોપીઓ પાસે છરી હતી. ઉપરાંત હુમલાખોરો પાસે બંદૂકનો જોટો હતો જેના બટથી પડખાના ભાગે યુવાનને ઘા ફટકાર્યા હતા. એવી પણ વિગત મળી છે કે, આરોપીઓએ રૂપિયાની લેતી દેતી બાબતે ફોન કર્યા બાદ આવી માર માર્યો હતો. ઇજાગ્રસ્ત પ્રથમ માલવીયાનગર પોલીસ મથકે પહોંચ્યો હતો જ્યાંથી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ થયો હતો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

previous post