મહુધાના મીનાવાડા દર્શન કરવા જઈ રહેલા દંપતીને અકસ્માત નડ્યો, વાંદરુ રોડ વચ્ચે આવતા બાઈક પરથી દંપતી પટકાયું; પત્નીનું મોત કઠલાલના બગડોલ પાસે અમદાવાદ-ઈન્દોર હાઈવે પર બનાવ બન્યો કઠલાલ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હાલ દશામાના પવિત્ર વ્રતની ઉજવણી થઈ રહી છે. મહુધા પાસે આવેલા મીનાવાડા ખાતે હજારો માઈ ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે. ત્યારે ચાલુ વર્ષે અહીયા આવતા ભક્તોને અકસ્માતનુ વિધ્ન ઊભુ થયુ છે. બે દિવસ અગાઉ જ પગપાળા જતા ભક્તોને અકસ્માત થતા એકનુ મોત નિપજ્યું છે ત્યારે આજે વધુ એક અકસ્માત સામે આવ્યો છે. મહુધાના મીનાવાડા ખાતે દર્શન કરવા જતાં દંપતીને અકસ્માત નડ્યો છે. વાંદરુ એકાએક રોડ વચ્ચે આવતાં મોટર સાયકલ ચાલકે કાબુ ગુમાવતા રોડ પર પટકાયા પાછળ બેઠેલ મહિલાનુ મોત નિપજ્યું છે. કઠલાલના બગડોલ પાસે અમદાવાદ-ઈન્દોર હાઈવે પર બનેલા બનાવ મામલે કઠલાલ પોલીસમા ફરિયાદ નોધાઈ જવા પામી છે. નારણભાઈ પોતાની પત્ની વિમળાબેનને મોટરસાયકલ પર બેસાડી મીનાવાડા આવી રહ્યા હતા મૂળ અરવલ્લી જિલ્લાના બાયડના વતની અને છેલ્લા કેટલાય વર્ષોથી અમદાવાદના નિકોલ વિસ્તારમાં સ્થાઈ થયેલા નારણભાઇ વાઘેલા પોતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમા સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે. તેઓના દીકરા સતિષ ઉર્ફે સાગરની બે માસ અગાઉ જ સગાઈ કરાઈ હતી. ગતરોજ નારણભાઈ પોતાની પત્ની વિમળાબેનને મોટર સાયકલ નંબર (GJ 01 NW 3647) પર બેસાડી ખેડા જિલ્લાના મહુધા તાલુકાના મીનાવાડા ગામે દર્શન કરવા આવવા નીકળ્યા હતા. 108 મારફતે વિમળાબેનને સારવાર અર્થે કઠલાલની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા નારણભાઈની સાથે સાથે તેમનો દીકરો સતિષ ઉર્ફે સાગર પણ પોતાની ભાવિ પત્નીને લઈને એક્ટીવા પર અહીયા આવવા નિકળ્યો હતો. નારણભાઈ આગળ હતા અને તેમનો દીકરો પાછળ આવતો હતો. નારણભાઈ પોતાનુ ઉપરોક્ત મોટરસાયકલ લઈને કઠલાલના બગડોલ પાસે અમદાવાદ-ઈન્દોર હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એકાએક રોડ પર વાંદરું આવી જતાં મોટરસાયકલ ચાલક નારણભાઈએ કાબુ ગુમાવતા તેઓ રોડ પર પટકાયા હતા. સાથે પાછળ બેઠેલા તેમના પત્ની વિમળાબેન પણ પટકાયાં હતાં. અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108 મારફતે વિમળાબેનને સારવાર અર્થે કઠલાલની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તાબીબે વિમળાબેનને મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ સંદર્ભે સતિષ ઉર્ફે સાગર વાઘેલાએ કઠલાલ પોલીસ મથકે જાણ કરતા પોલીસે તેમની ફરિયાદના આધારે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.
