રશિયા અને યૂક્રેન વચ્ચે મહિનાથી ચાલી રહેલી ખેચતાણે એક ભયાનક રૂપ લઇ લીધુ છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યૂક્રેનમાં સેન્ય અભિયાનની જાહેરાત કરી છે. જાહેરાત બાદ યૂક્રેનના પાટનગર કીવમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો છે. જોકે, અમેરિકા સહિત કેટલાક પશ્ચિમી દેશ રશિયાના આ પગલાથી ખુશ નથી. હવે એક તરફ અમેરિકા, ફ્રાંસ, બ્રિટન જેવા દેશ છે તો બીજી તરફ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન. એક સમયમાં પુતિનને રશિયન જાસૂસ તરીકે ઓળખવામાં આવતા હતા, જે હવે પોતાના નિર્ણયને લઇને દુનિયામાં ચર્ચામાં છે. આજે અમે તમને જણાવીએ કે વ્લાદિમીર પુતિન રશિયાની સત્તા સુધી કેવી રીતે પહોચ્યા.રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની કહાની શરૂ થાય છે સોવિયત સંઘના લેનિન ગ્રાડ એટલે કે આજના સમયના સેન્ટ પીટર્સબર્ગથી. જ્યા રહેતા વ્લાદિમીર રોવિચ પુતિન અને મારિયા ઇવાનોવનાના ઘરે 7 ઓક્ટોબર 1952માં તેમના ત્રીજા બાળકનો જન્મ થાય છે, જેનું નામ આપવામાં આવે છે વ્લાદિમીર પુતિન. વ્લાદિમીર પુતિન પહેલા તેમના બે બાળકનું બાળપણમાં જ બીમારીથી મોત થઇ ગયુ હતુ. વ્લાદિમીર પુતિનનો બાળપણમાં તેમના કરતા મોટી ઉંમરના બાળકો સાથે ઝઘડો થતો રહેતો હતો, માટે તેમણે બાળપણથી જ જૂડો શીખ્યુ હતુ. પુતિનના પિતા સોવિયત નેવીમાં હતા, તો માતા એક ફેક્ટરીમાં કામ કરતી હતી. સપ્ટેમ્બર 1960થી તેમણે પોતાના ઘર પાસે સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. સેંટ પીટર્સબર્ગ સ્ટેટ યૂનિવર્સિટીમાંથી તેમણે કાયદાનો અભ્યાસ કર્યો છે.લૉમાં ગ્રેજ્યુએટ પુતિને 1975માં સોવિયત સંઘની જાસુસી એજન્સી કેજીબીને જોઇન કરી હતી અને રશિયાના જાસૂસ બની ગયા હતા. 1980ના દાયકામાં તેમણે જર્મનીમાં તૈનાત કરવામાં આવ્યા હતા. 16 વર્ષ સુધી પુતિને જાસૂસ તરીકે કામ કર્યુ અને પછી રાજીનામું આપીને રાજનીતિમાં આવી ગયા હતા. 1991ના અંતમાં સોવિયત સંઘ તૂટ્યુ તો 25 ડિસેમ્બર 1991માં સોવિયત સંઘના રાષ્ટ્રપતિ મિખાઇલ ગોર્બાચેવે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ હતુ. રશિયાના નવા રાષ્ટ્રપતિ બોરિસ યેલ્તસિનને સત્તા મળી હતી. ઔપચારિક રીતે સોવિયત સંઘને ખતમ કરવા અને રશિયાના રાષ્ટ્રપતિ ભવન પર રશિયાનો ઝંડો ફરકાવવા દરમિયાન બોરિસ અને પુતિન નજીક આવ્યા હતા. ધીમે ધીમે બન્ને વચ્ચે સારૂ બોન્ડ બનતુ ગયુ. 1999માં યેલ્તસિને પુતિનને વડાપ્રધાન બનાવી દીધા હતા.31 ડિસેમ્બર 1999માં યેલ્તસિને રાષ્ટ્રપતિ પદેથી રાજીનામુ આપી દીધુ હતુ ત્યારે પુતિને કાર્યવાહક રાષ્ટ્રપતિ સત્તા સંભાળી હતી. 26 માર્ચ 2000માં પુતિને પ્રથમ વખત રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી હતી. તમામ મુશ્કેલીને પાર કરતા એક યુવક હવે દેશનો રાષ્ટ્રપતિ બની ગયો હતો. માર્ચ 2004માં પુતિન બીજી વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા તેમણે 70 ટકા મતથી જીત મેળવી હતી. આ રીતે તેમણે હજુ સુધી પોતાના રાષ્ટ્રપતિ બન્યા રહેવાની સફર ચાલુ રાખી છે.
