Kazakhstan Protest: કઝાકિસ્તાનમાં અત્યાર સુધીમાં 164 લોકોના મોત થયા છે. વિરોધને દબાવવા માટે સેનાને ચેતવણી આપ્યા વિના ગોળીબાર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
મધ્ય એશિયાના દેશ કઝાકિસ્તાન (Kazakhstan)માં હિંસક વિરોધને કારણે 164 લોકોના મોત થયા છે. સરકારી ન્યૂઝ ચેનલ દ્વારા મૃતકોની સંખ્યા બતાવી છે તે અગાઉ નોંધાયેલી સંખ્યા કરતા ઘણી વધારે છે. મૃતકોમાં માત્ર નાગરિકો છે કે સુરક્ષાકર્મીઓ છે તે સ્પષ્ટ નથી. અધિકારીઓએ દિવસની શરૂઆતમાં જણાવ્યું હતું કે 16 પોલીસકર્મીઓ અને નેશનલ ગાર્ડના કર્મચારીઓ પણ માર્યા ગયા હતા. આ પહેલા અધિકારીઓએ 26 નાગરિકોના મોતની જાણકારી આપી હતી.
મંત્રાલયના જણાવ્યા અનુસાર મોટાભાગના મૃત્યુ દેશના સૌથી મોટા શહેર અલ્માટીમાં થયા છે, જ્યાં 103 લોકોના મોત થયા છે. ત્યાં પ્રદર્શનકારીઓએ સરકારી ઈમારતો પર કબજો જમાવ્યો અને અમુકને આગ ચાંપી દીધી હતી. બાળ અધિકારોના ક્ષેત્રમાં કામ કરતી એક મહિલાએ કહ્યું કે ત્રણ બાળકો પણ માર્યા ગયા અને બધા સગીર હતા.
જેમાં એક ચાર વર્ષની બાળકી પણ છે. મંત્રાલયે અગાઉ અહેવાલ આપ્યો હતો કે પ્રદર્શનમાં 2,200થી વધુ લોકો ઘાયલ થયા હતા અને સારવારની જરૂર હતી. જ્યારે ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે લગભગ 1,300 સુરક્ષા અધિકારીઓ ઘાયલ થયા હતા.
વિરોધ હિંસામાં ફેરવાઈ ગયો
કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ કાર્યાલયે રવિવારે જણાવ્યું હતું કે પોલીસે ગયા અઠવાડિયે હિંસામાં ફેરવાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન લગભગ 5,800 લોકોની અટકાયત કરી હતી. વિરોધ હિંસક બન્યા બાદ રશિયાની આગેવાની હેઠળના લશ્કરી ગઠબંધને કઝાકિસ્તાનમાં સૈનિકો મોકલવા પડ્યા હતા.
રાષ્ટ્રપતિ કાસિમ-જોમાર્ટ ટોકાયેવના કાર્યાલયે જણાવ્યું હતું કે દેશમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને અધિકારીઓએ વહીવટી ઈમારતો પર ફરીથી નિયંત્રણ મેળવી લીધું છે. આ ઈમારતોને વિરોધીઓએ કબજે કરી લીધી હતી અને તેમાંથી કેટલીકને આગ ચાંપવામાં આવી હતી.
સૈન્યને ગોળી મારવાનો આદેશ
સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર રવિવારે દેશના સૌથી મોટા શહેર અલ્માટીમાં ગોળીબારનો અવાજ સંભળાયો હતો, પરંતુ તે સ્પષ્ટ નથી થયું કે શું તે કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા આપવામાં આવેલી ચેતવણીના ભાગ રૂપે ગોળીબાર કરવામાં આવ્યો હતો. ટોકાયેવે શુક્રવારે કહ્યું હતું કે તેણે પોલીસ અને સેનાને કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે ગોળીબાર કરવા માટે અધિકૃત કર્યા છે.
ગત અઠવાડિયે વિરોધીઓ દ્વારા કબજે કરવામાં આવેલ અલ્માટી એરપોર્ટ બંધ રહ્યું હતું, પરંતુ સોમવારે ફરીથી ખોલવાની અપેક્ષા છે. એલપીજી ઈંધણના ભાવમાં તીવ્ર વધારાને લઈને દેશના પશ્ચિમ ભાગમાં 2 જાન્યુઆરીએ વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા અને સમગ્ર દેશમાં ફેલાઈ ગયું હતું.