વલસાડ જિલ્લાના 70 કિલોમીટર લાંબા દરિયા કિનારે ઉમરગામ, નારગોલ, મરોલી, ખતલવાડા ઉમરસાડી જેવા મત્સ્ય બંદર આવેલા છે. જિલ્લામાં અંદાજીત 1500 બોટ છે. 22000 જેટલા સક્રિય માછીમારો છે. જો કે કોરોના કાળ ને કારણે સ્થાનિક માછીમારોને માછલીઓનું સારા ભાવ સાથેનું માર્કેટ મળતું નથી. તેવા સમયે બદલતા હવામાનનો ફટકો મરણતોલ સાબિત થઈ રહ્યો છે.
વલસાડ જિલ્લો 70 કિલોમીટરનો સાગર કિનારો ધરાવે છે. આ સાગર કિનારા પર જિલ્લાની 1500 જેટલી ફિશિંગ બોટ વન ડે ફિશિંગ માટે સમુદ્રમાં ફિશિંગ કરવા જાય છે. વલસાડ જિલ્લામાં વાર્ષિક 9 કરોડ કિલોગ્રામ માછલીઓનું ઉત્પાદન મેળવી સ્થાનિક બજાર અને દેશના અન્ય બજારમાં વેંચાણ કરવામાં આવે છે. જો કે છેલ્લા ત્રણેક વર્ષથી મચ્છી માર્કેટમાં મંદી છે. એમાં પણ બદલાતા હવામાનને કારણે સ્થાનિક માછીમારો દરિયામાં ફિશિંગ માટે જઇ શક્તા નથી. જ્યારે દરિયામાં સાહસ ખેડીને જાય છે. તો જોઈએ તેટલો માછલીનો જથ્થો મળતો નથી. ડીઝલ ખલાસીના પૈસા ચૂકવ્યા બાદ ખોટનો ધંધો સાબિત થાય છે,
નારગોલ જેવા મત્સ્ય બંદર પર એક સમયે 100 થી વધુ બોટ હતી. હાલ 63 જેટલી બોટ છે , અહીં કોરોના કાળ દરમ્યાન માછલીઓ લાવ્યા બાદ તેનો યોગ્ય ભાવ અને માર્કેટ મળવુ મુશ્કેલ બન્યું છે. એટલે નારગોલમાં અદ્યતન ફિશ માર્કેટનું નિર્માણ કરવામાં આવ્યું છે. પરંતુ તેમાં બેસવાની વ્યવસ્થા, હવા ઉજાસની વ્યવસ્થામાં યોગ્ય માપદંડો જળવાયા નથી. એટલે મચ્છી વેચતી 50 થી વધુ બહેનોએ બહાર ખુલ્લામાં જ મચ્છીનું વેંચાણ કરવું પડે છે. અને અદ્યતન ફિશ માર્કેટ શોભાના ગાંઠિયા સમાન બન્યું છે.
હાલના બજાર ભાવ અંગે સ્થાનિક માછીમાર એસોસિએશન, બોટ એસોસિએશન, માછી સેલ મંડળના સભ્યોનું કહેવું છે કે, નારગોલ અને આસપાસના વિસ્તારના બોટ માલિકો ઝીંગા, પાપલેટ જેવી માછલીઓ સમુદ્રમાંથી લાવે છે, જેનો ભાવ માર્કેટમાં નફાકારક રહેતો નથી. એટલે દિવસો દિવસ ફિશિંગનું પ્રમાણ પણ ઘટ્યું છે. હાલમાં દિવાળી બાદ માછીમારી માટે સારી સિઝન હોય છે. પરંતુ દરિયામાં શિયાળાના ઠંડા પવન અને બદલાતા હવામાનમાં ફિશિંગ કરવું કપરું છે. મોટાભાગે શિયાળામાં બોટને કાંઠે જ લાંગરી ને રાખવી પડે છે. જેની અસર તેમની રોજગારી પર અને ઉત્પાદન પર પડી રહી છે.
ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લામાં 16 જેટલા મહત્વના મત્સ્ય બંદર આવેલા છે, જેમાં ઉમરગામ , નારગોલ , મરોલી , ખેતલવાડા , ઉંમરસાડી, દાંતી જેવા મહત્વના દરિયા કાંઠે વસવાટ કરતા લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારીનો છે. આ માછીમારો દરિયામાંથી બુમલા, ઝીંગા, પાપલેટ જેવી માછલીઓ લાવે છે, જેનું વેચાણ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. એમાં કોરોના કાળ અને હાલમાં શિયાળાની ઋતુમાં સુસવાટા મારતા પવન સાથે બદલાતું હવામાન મરણતોલ ફટકા સમાન સાબિત થઈ રહ્યું છે.