એક તરફ ગુજરાતમાં કોવિડના કેસો વધી રહ્યા છે તે સમયે રાજ્ય સરકારની સમીક્ષામાં જણાવાયું છે કે રાજ્યમાં નર્સિંગ સ્ટાફ અને પેરા મેડીકલ સ્ટાફ તરીકે ઓળખાતા કર્મચારીઓમાં 53 ટકાની ઘટ છે અને હવે તે કેમ પૂરી કરવી તે અંગે ચિંતા કરાશે. નીતિ આયોગ સાથેની બેઠકમાં કોરોનાના મુકાબલા માટે જે જે તૈયારીઓ છે તેમાં આ વાત બહાર આવી હતી. જેમાં જાહેર આરોગ્ય કેન્દ્રો જે પીએચસી સહિતના નામે ઓળખાય છે તેમાં પેરામેડીકલ સ્ટાફની 53 ટકા તંગી છે જ્યારે જિલ્લા હોસ્પિટલોમાં સ્પેશ્યાલીસ્ટ તબીબોમાં 37 ટકાની તંગી છે. રાજ્યમાં જે બાળકો જન્મે છે તે તમામ નોંધાતા નથી અને 87.3 ટકા જ જન્મ નોંધાય છે જો કે મૃત્યુમાં 100 ટકા નોંધણી થાય છે તેવો રાજ્ય સરકારનો દાવો છે. રાજ્ય સરકાર તેના કુલ બજેટના 7.24 ટકા આરોગ્ય પાછળ ખર્ચે છે.