રાજ્યમાં કોરોના અને તેના નવા વેરિએન્ટ ઓમિક્રૉનનો ખતરો જોવા મળી રહ્યો છે. કોરોનાના ખતરાને નજર અંદાજ કરતા રાજ્ય સરકાર દ્વારા અનેક ઉત્સવોની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત, ફ્લાવર શો, નદી ઉત્સવ પછી હવે સરકાર દ્વારા કાઇટ ફેસ્ટિવલ ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે. એક તરફ સરકાર દ્વારા કોરોનાને ધ્યાનમાં રાખીને નાઇટ કરર્ફ્યૂ વધારવામાં આવી રહ્યો છે બીજી તરફ નવા નવા ઉત્સવોની ઉજવણી કરીને લોકોને ભેગા કરવામાં આવી રહ્યા છે.
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે આગામી 9થી 14 જાન્યુઆરી દરમિયાન કાઇટ ફેસ્ટિવલ યોજવાની તૈયારીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કોરોના વાયરસનો નવો વેરિયેન્ટ ઓમિક્રૉન વિદેશથી આવતા પ્રવાસીઓથી ફેલાય છે. આમ છતા આ કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે વિદેશના 400થી વધુ પતંગબાજોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત દેશભરમાંથી 1200થી વધુ પતંગબાજો કાઇટફેસ્ટિવલમાં ભાગ લેવાના છે.
એવી ચર્ચાઓ થઇ રહી છે કે, ગત વર્ષની જેમ આ વખતે પણ પતંગોત્સવનું આયોજન ટાળી શકાયું હોત. કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે સરકારની પ્રાથમિક્તા ઓક્સિજન, વેન્ટિલેટર, હોસ્પિટલ બેડ ખૂટે નહીં તેની તેમજ એક જ સ્થળે વધુ સંખ્યામાં લોકો એકત્ર થવાથી કઇ રીતે અટકાવાય તેની હોવી જોઇએ. જેનાથી વિપરિત સરકાર હાલમાં ઉત્સવની ઉજવણી કરીને લોકોને એક જ સ્થળે એકત્ર થવા સામે ચાલીને આમંત્રણ આપી રહી છે.