સુરેન્દ્રનગર જીલ્લામાં થી પસાર થતી નર્મદાની મુખ્ય અને માયનોર કેનાલમાં અવારનવાર ગાબડાં તેમજ લિકેજના બનાવો વધી રહ્યા છે. ત્યારે પાટડી તાલુકાના ધામા ગામમાં કેનાલનું પાણી ફરી વળતા મોટા પાયે ઈસબગુલ સહિતના પાકને નુક્સાન પહોચ્યું હતું.
આ અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાટડી તાલુકાના ભલગામ અને આદરીયાણા ગામ વચ્ચેથી પસાર થતી કેનાલ નં-૭ ની એક માયનોર કેનાલ પાટડીના ધામા ગામમાંથી પસાર થાય છે. ત્યારે આ માયનોર કેનાલમાં અજાણ્યા શખ્સો દ્વારા અચાનક પાણી વધારી દેતા ધામા ગામના ખેડૂત આગેવાન ભગવાનભાઇ રાઠોડના સર્વે નં. ૭૬૪ ના ૧૫ વીઘાના ખેતરમાં વાવેલા ઇસબગુલના પાકમાં પાણી ફરી વળ્યું હતું. જેથી પાક સંપૂર્ણ નાશ પામ્યો હતો. અગાઉ પણ આ કેનાલનું પાણી ઓવરફ્લો થઇને અવારનવાર ખેતરમાં ફરી વળતા ખેડૂતને ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો. આ કેનાલ પર પાળ બાંધવા ખેડૂત હિતેશ રાઠોડ દ્વારા અગાઉ અનેક વખત તંત્રને લેખીત અને મૌખીક રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે આ મામલે ખેડૂત દ્વારા તંત્ર સામે ફરીયાદ કરવા ઝીંઝુવાડા પોલીસ મથકે તજવીજ હાથ ધરી હતી. જેમાં નર્મદાના જવાબદાર અધિકારી અને ગેટ પર ફરજ બજાવતા કર્મચારી વિરુદ્ધ પગલા લેવાની માંગ કરી હતી અને જો પગલા લેવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને સાથે આત્મ વિલોપનની ચિમકી ઉચ્ચારતા તંત્રમાં પણ દોડધામ મચી ગઈ હતી.

