ભગવાન શ્રી રામ અને રામાયણ ગાથાનો મહિમા ટપાલ ટિકિટો દ્વારા દેશ અને વિદેશમાં ફેલાવવામાં આવી રહ્યો છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
(જી.એન.એસ) તા. 6
ભગવાન શ્રી રામનો મહિમા ડાક ટિકિટો દ્વારા પણ દેશ અને દુનિયામાં ફેલાવવામાં આવી રહ્યો છે. ભારતની સાથે, વિશ્વના 20થી વધુ દેશોએ સમયાંતરે રામાયણ સાથે સંબંધિત પાત્રો અને વાર્તાઓ પર ડાક ટિકિટો બહાર પાડી છે. એટલે કે રામ રાજ્ય ડાક ટિકિટો પર પણ દેખાય છે.
ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે રામનવમી પર્વ નિમિત્તે જણાવ્યું હતું કે અયોધ્યામાં શ્રીરામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં, ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 18 જાન્યુઆરી, 2024ના રોજ ‘શ્રીરામ જન્મભૂમિ મંદિર’ને સમર્પિત 6 વિશેષ સ્મારક ડાક ટિકિટો જાહેર કરી હતી. આ ટિકિટોમાં શ્રીરામ જન્મભૂમિ મંદિર સાથે ભગવાન ગણેશ, ભગવાન હનુમાન, જટાયુ, કેવટરાજ અને માતા શબરીના વિવિધ પ્રસંગોનો સમાવેશ થાય છે. સોનાના વર્કથી શોભિત અને ચંદનની સુગંધથી સુવાસિત આ ડાક ટિકિટોમાં સૂર્યવંશી શ્રીરામના પ્રતિકરૂપ સૂર્યની છબી તેમજ પવિત્ર સરયૂ નદીનાં દર્શન દર્શાવવામાં આવ્યા છે. સાથે સાથે “મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સો દશરથ અજિર બિહારી” ચોપાઈના માધ્યમથી રાષ્ટ્રના કલ્યાણની અભિલાષા વ્યક્ત કરવામાં આવી છે. આ ડાક ટિકિટોના મુદ્રણમાં અયોધ્યાની પવિત્ર માટી અને સરયૂ નદીનાં પવિત્ર જળનો ઉપયોગ કરીને તેને પંચ મહાભૂતોના તત્વોથી પણ જોડવામાં આવ્યા છે. આ વિશેષ ડાક ટિકિટો અમદાવાદ જી.પી.ઓ. ખાતે આવેલી ફિલેટેલી બ્યુરોમાં વેચાણ માટે ઉપલબ્ધ છે.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે વધુમાં જણાવ્યું કે, તેના અગાઉ પણ ડાક વિભાગ દ્વારા રામાયણના તમામ મહત્વપૂર્ણ પ્રસંગોને દર્શાવતા 11 સ્મારક ડાક ટિકિટોના સેટ 22 સપ્ટેમ્બર, 2017ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા આ ડાક ટિકિટો વારાણસી સ્થિત તુલસી માનસ મંદિર ખાતે જાહેર કરવામાં આવી હતી. આ ડાક ટિકિટોમાં સીતાસ્વયંવર, રામ વનવાસ, ભરત મિલાપ, કેવટ પ્રસંગ, જટાયુ સંવાદ, શબરી સંવાદ, અશોક વાટિકા ખાતે હનુમાન-સીતાનો સંવાદ, રામસેતુ નિર્માણ, સંજીવની લઈ જતા હનુમાન, રાવણવધ અને ભગવાન રામના રાજ્યાભિષેક જેવી દર્શનીય ઘટનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટિકિટોને નિહાળતાં એવું અનુભવે છે કે આખું રામરાજ્ય જ જાણે ડાક ટિકિટોમાં જીવંત થઈ ઊતરી આવ્યું હોય. ઉપરાંત, શ્રીરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાના ભૂમિપૂજન અને શિલાન્યાસ પ્રસંગને ઐતિહાસિક બનાવવાના ભાગરૂપે પણ, 5 ઓગસ્ટ, 2020ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા અયોધ્યામાં ‘શ્રી રામ જન્મભૂમિ મંદિરના પ્રતિરૂપ’ આધારિત કસ્ટમાઇઝ્ડ ડાક ટિકિટ જાહેર કરવામાં આવી હતી.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે ડાક વિભાગ સતત લોકોથી તેમની વારસાતત્વ અને સંસ્કૃતિને જોડવા માટે વિવિધ ડાક ટિકિટો જારી કરે છે. આ ક્રમમાં ‘શ્રીરામ જન્મભૂમિ મંદિર’થી લઈને રામાયણના વિવિધ પ્રસંગોને આધારે તૈયાર કરાયેલી અનેક ડાક ટિકિટો પણ સમાવિષ્ટ કરવામાં આવી છે, જેથી યુવાપેઢી ડાક ટિકિટોના માધ્યમથી પોતાની સંસ્કૃતિથી પરિચિત થઈ શકે. આ ડાક ટિકિટો પત્રો પર લાગીને વિદેશોમાં પણ જશે, જ્યાં રામાયણની ગાથાને વિશ્વભરમાં લોકો સુધી પહોંચાડવાનું કામ કરશે.