રાજકોટ શહેરમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો વધુ એક કિસ્સો?
(જી.એન.એસ) તા. 3
રાજકોટ,
રાજકોટના તુલીપ પાર્ટી પ્લોટ પાસે એક ગાડી અને પ્રાઇવેટ ટ્રાવેલ્સની બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું અને ઇજાગ્રસ્ત કાર ચાલકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે કાર ચાલકે ગુનો નોંધી કાયદેસરથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અકસ્માતની ઘટના બાબતે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ ગોંડલ હાઇવે પર આવેલા તુલીપ પાર્ટી પાસે બુધવારે સાંજે પૂરપાટ ઝડપે નીકળેલા કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ડિવાઇડર કૂદીને ખાનગી ટ્રાવેલ્સ સાથે ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માતમાં કાર ચાલક અજયકુમાર પીપળીયાને ઇજા પહોંચી હતી અને તેમજ જીજે.03.પીડી.0734 નંબરની કાર અને બસ નુકસાન થયું હતું. અકસ્માત સર્જાતા લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું કે કારચાલકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે જેમાં કારની પાછળની સીટમાં દારૂની બોટલ પણ જોવા મળી રહી છે.
આ માર્ગ અકસ્માત મામલે પ્રાઇવેટ ટ્રાવેલ્સના બસ ચાલકે આજીડેમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ઘટનાસ્થળે હાજર લોકોએ કેમેરામાં કેદ કરેલા વીડિયોમાં કારની પાછળની સીટ પર દારૂની બોટલ જોવા મળી રહી છે. ત્યારે કારચાલક નશામાં હતો કે તેને લઇને અનેક સવાલો ઉભા થયા છે.