(જી.એન.એસ) તા. 22
સુરત,
સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં આવતા મોટા વરાછાના કોર્પોરેટર રાજુ મોરડીયા વિરુદ્ધ જુદી જુદી બે ફરિયાદો નોંધાઈ. કોર્પોરેટરે એસી ડોમ બનાવનારનુ સ્ટ્રકચર તોડાવી નાખવાની ધમકી આપી ખંડણીની માંગ કરી હતી. કોર્પોરેટર રાજુ મોરડીયાએ ધમકી આપતા કહ્યું કે રૂપિયા આપી દો નહીતર તમારે ત્યાં મહાનગરપાલિકાના દબાણ શાખાને મોકલીને ડિમોલિશન કરાવી દઈશ. કોર્પોરેટરે રુઆબ જમાવતા ચાકુ બતાવીને એક લાખ પડાવ્યા હોવાની ભોગ બનનારે ફરિયાદ કરી.
ખંડણીખોર કોર્પોરેટર રાજુ ઉર્ફે રાજેશ રાઘવભાઇ મોરડીયા મૂળ ભાવનગર જિલ્લાના જમણવાવાના વતની છે અને તેમના સાગરીત પંકજ બી. પટેલ નાના વરાછા સુરતના સર્વ મંગલ રોજ હાઉસમાં રહે છે. કોર્પોરેટર રાજુ અને તેમના સાગરીત પંકજ વિરુદ્ધ બે ફરિયાદ દાખલ થતા ઉત્રાણ પોલીસે બંનેની ધરપકડ કરીને રિમાન્ડ ની તજવીજ હાથ ધરી છે.
જો કે, અન્ય એક ઘટનામાં કોર્પોરેટરે ફાર્મ માલિક પાસેથી રોડનું કામ અટકાવી દઈને 50 હજાર પડાવ્યાહતા. કોર્પોરેટર રાજુ મોરડીયા દ્વારા અનેક લોકોને બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા હોવાની આશંકા સાથે સુરત પોલીસે ભોગ બનનારને પોલીસનો સંપર્ક કરવા જાહેરાત કરી છે. તોડબાજો અને નકલી પત્રકારો બાદ હવે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પણ ખંડણીના ગુનામાં પકડાઈ જતા ખંડણીખોરોમાં ફફડાટ ફેલાયો ગયો છે. અન્યો પાસેથી ગેરકાયદે નાણાં પડાવવા અંગે પોલીસે વધુ પુછપરછ શરૂ કરી છે.