(જી.એન.એસ) તા. 18
ગાંધીનગર/છોટાઉદેપુર,
છોટાઉદેપુર જિલ્લામાં જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત અપાયેલા લાભની વિગતો આપતાં જળસંપત્તિ અને પાણીપુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયાએ વિધાનસભા ગૃહ ખાતે જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લામાં જૂથ પાણી પુરવઠા યોજના થકી ૬૫૪ ગામોને લાભ અપાયો છે.
આ અંગે મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે છેલ્લાં બે વર્ષમાં છોટાઉદેપુર જિલ્લામાં ૨૨૨ હેન્ડ પંપ બનાવવામાં આવ્યા છે. હેન્ડ પંપ બનાવવા માટેની ૧૩૧ તથા મિનિ વોટર વર્કસ બનાવવા માટેની ૧૨ અરજી મળી હતી. તે પૈકી હેન્ડ પંપ બનાવવા માટેની ૭૨ અને મિનિ વોટર વર્કસ બનાવવા માટેની એક અરજી મંજૂર કરવામાં આવી છે.
જ્યારે તાલુકાવાર વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે હેન્ડપંપ બનવા માટે સંખેડા તાલુકામાં ૨, નસવાડીમાં ૨૦, બોડેલીમાં ૯, કવાંટમાં ૨૫, છોટાઉદેપુરમાં ૫૭ તથા પાવી જેતપુર તાલુકામાં ૧૮ અરજીઓ મળી છે. જેમાંથી નસવાડીમાં ૧૫, બોડેલીમાં ૫, કવાંટમાં ૧૪, છોટાઉદેપુરમાં ૨૫ અને પાવી જેતપુરમાં ૧૩ મળીને છોટાઉદેપુર જિલ્લામાં ૭૨ અરજીઓ મંજૂર કરવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.