અખબારી યાદી
તા. ૦૧-૦૨-૨૦૨૫
કેન્દ્રીય બજેટ પર પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આજે કેન્દ્રીય બજેટ નાણામંત્રીશ્રીએ સંસદમાં રજૂ કર્યું. એક ગુજરાતી તરીકે મને પણ અપેક્ષા હતી અને તમામ ગુજરાતીઓને અપેક્ષા હતી કે જયારે “મોસાળમાં લગ્ન અને માં પીરસનાર હોય” ત્યારે આપણા ગુજરાત માટેની ખાસ વ્યવસ્થાઓ, ખાસ મદદ જરૂર રહેશે, પરંતુ આપણા માટે કશું જ નથી. હા, બિહારની ચૂંટણી આવે છે એટલે ત્યાં મખાના માટે મખાના બોર્ડ, પટનાના એરપોર્ટથી લઈને વારંવાર બિહાર બિહાર બિહાર આવ્યું છે, પરંતુ ગુજરાતમાં આપણો હીરા ઉદ્યોગ અનેક લોકોને રોજી આપતો ઉદ્યોગ એ મુશ્કેલીમાં છે એને મદદ કરવા માટે કોઈ નક્કર વાત નથી. ટેક્સટાઇલ ઉદ્યોગ, એના ઉપર અનેક લોકો સુરતમાં નિભાય છે, નાયલોન યાર્ન મોંઘુ થાય એવી પરિસ્થિતિ છે, આના વિશે કોઈ વાત નથી. એશિયાનું સૌથી મોટું શીપ બ્રેકીંગ યાર્ડ અલંગમાં છે, એના માટેની કોઈ સ્પેસિફિક વાત નથી. શીપ બિલ્ડીંગની વાત કરવામાં આવી છે, શીપ બ્રેકીંગ ઉદ્યોગ માટે નહીં અને શીપ બિલ્ડીંગ માટે પણ નક્કર રીતે જોઈએ તો કોઈ વસ્તુ નથી. બજેટમાં આવકવેરાને લઈને મોટી જાહેરાતો કરવામાં આવી. ૧૨ લાખ રૂપિયાની આવક પર કોઈ ટેક્સ નથી એમ કહેવામાં આવે છે પણ હકીકત એ છે કે તેમાં શરતો લાગુ પડશે, ઈન્કમટેક્ષના કાયદામાં ૩૧ એમેન્ડમેન્ટ કરવાની જાહેરાત નાણાંમંત્રીએ કરી છે, જે લાગુ થયા બાદ જ ખબર પડશે કે ૧૨ લાખની આવક ઉપર કેટલો ટેક્સ લાગશે ? જો સરકારની દાનત સાચી હોત તો ૧૨ લાખ રૂપિયા સુધીની આવક કોઈપણ શરત વગર ટેક્સ ફ્રી કરી દેવી જોઈતી હતી. શા માટે શરતો લાગુ કરવામાં આવી ? બજેટમાં ચૂંટણીલક્ષી નહીં પ્રજાહિતની વાત હોવી જોઈએ. બજેટમાં રોજગારી વધારવાની કોઈ નક્કર વાત નથી. આજે યુવાનો સૌથી વધારે પરેશાન છે. ટેલેન્ટેડ યુવાન, મહેનત કરનાર યુવાનો માટે નોકરી નથી. નોકરીઓ વધે એ માટે કોઈ આયોજન બજેટમાં કરવામાં આવેલ નથી. જીએસટીનું ભારણ એટલું છે કે સવારથી રાત સુધી મહેનતકશ વ્યક્તિ કોઈપણ વપરાશની વસ્તુ લે તો એના ઉપર ૨૮-૨૮% ટેક્સ. ખેડૂત ખાતર લે કે ટ્રેક્ટર લે, તો એના પર પણ જીએસટી ટેક્સ, આ ટેક્સ ઘટાડવા માટેની કોઈ વાત કરવામાં આવી નથી. GSTના ભારણથી અને મોંધવારીથી સામાન્ય માણસ પરેશાન છે ત્યારે તેમાં કોઈ રાહત નથી. ગુજરાતના અનેક પ્રશ્નો રેલવે, પોર્ટ અને દરિયા કિનારાના નક્કર વિકાસ માટેની કોઈ વાત બજેટમાં નથી. ખાતર પરનો GST અને જે ભાવવધારો થયો છે તેની માફીની કોઈ વાત નથી. કોંગ્રેસની સરકારમાં ખેડૂતોએ ૨૦ કિલો કપાસ ૧,૫૦૦ રૂપિયા સુધી વેચ્યો હતો, ૨૦૧૨-૧૩-૧૪માં આજે આટલા વર્ષો પછી મોંઘવારી વધી, ખાતર, ડીઝલ, બિયારણ તમામ મોંઘુ થયું છે અને આજે ખેડૂત જ્યારે કપાસ વેચવા જાય છે ત્યારે આજથી ૧૦ વર્ષ પહેલાંનો ભાવ પણ ખેડૂત મેળવી નથી શકતો. આવક બમણી કરવાની વાત કરી હતી પરંતુ ખર્ચા બમણા થયા છે. આમ સંપૂર્ણ રીતે ખૂબ આશા રાખીને બેઠેલા આપણા ગુજરાતીઓ અને દેશવાસીઓ માટે નિરાશાજનક આજનું આ બજેટ રજૂ થયું છે.