(જી.એન.એસ) તા. 29
સુરત,
શહેરના વરાછા વિસ્તારમાં 14 વર્ષ પહેલાં વરાછામાં ફાયરિંગ કરી 1.77 લાખ રૂપિયાની લૂંટ કરનાર પાંચમા આરોપીને સુરત પોલીસે ઓડિશાથી ઝડપી પાડ્યો છે. આરોપીને પકડવા માટે પોલીસકર્મીઓએ અલગ અલગ વેશ ધારણ કર્યા હતા જેમાં 10 દિવસ સુધી સફાઈ કામદાર અને રિક્ષાચાલક તરીકે કામનો વેશપલટો કરીને આરોપી ઝડપી પાડ્યો.
આ મામલે મળતી માહિતી મુજબ, 26 સપ્ટેમ્બર 2011ના રોજ સાંજે કતારગામ નારાયણ નગરમાં રહેતા વિનય કાપડિયા તેમના કાપડના કારખાનામાં કારીગરોને પગાર આપી રહ્યા હતા. તે સમયે 3 અજાણ્યા શખ્સો તમંચા સાથે અંદર ઘૂસી આવ્યા હતા અને ફાયરિંગ કરી 1.77 લાખ રૂપિયાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. ફાયરિંગના અવાજથી ટોળું ભેગું થતાં એક આરોપી પકડાઈ ગયો હતો, જેનું નામ પ્રભાત ઉર્ફે રઘુ ગોપી સ્વાંઈ હતું. ત્યારબાદ પોલીસે અન્ય 4 આરોપીઓને પણ પકડી પાડ્યા હતા.
આ બનેલી ઘટનાનો પાંચમો આરોપી ટુલ્લુ ઉર્ફે લાલા સુભાષ નાયક ફરાર હતો અને ઓડિશાના નગાગઢ જિલ્લાના ધજેલા ગામે રહેતો હોવાની બાતમી મળી હતી. વરાછા પોલીસની ટીમ 10 દિવસ પહેલાં ત્યાં પહોંચી હતી અને આરોપીને પકડવા માટે સફાઈ કામદાર અને રિક્ષાચાલક બનીને રહી હતી. પોલીસે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે ગુનેગારો ગમે તેટલા દૂર ભાગે, તેઓ કાયદાથી બચી શકતા નથી.